લંડનઃ હોમ ઓફિસ દ્વારા ગયા સપ્તાહમાં જારી કરાયેલા આંકડા અનુસાર યુકે આવતા વિદેશી નાગરિકોની વર્ક અથવા સ્ટડી વિઝાની અરજીઓમાં લગભગ 4 લાખ જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. નવા ઇમિગ્રેશન નિયમો અમલમાં આવ્યા બાદ એપ્રિલથી ડિસેમ્બર 2024 વચ્ચે 5,47,000 વિઝા અરજી મળી હતી જેની સરખામણીમાં વર્ષ 2023ના આજ સમયગાળામાં 9,42,500 અરજી મળી હતી.
વિદેશી વિદ્યાર્થીઓ અને ફોરેન કેર વર્કર્સ દ્વારા બ્રિટનમાં આવવા માટે કરાતી અરજીઓમાં મોટો ઘટાડો નોંધાતા આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં 42 ટકા અથવા તો અરજીઓમાં 3,95,100નો ઘટાડો દર્શાવે છે. હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા માટેની અરજીઓમાં 79 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2023 વચ્ચે હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા માટે 2,99,800 અરજી મળી હતી જેની સામે 2024માં આ જ સમયગાળામાં ફક્ત 63,800 અરજી પ્રાપ્ત થઇ હતી.
2024ના પ્રારંભે તત્કાલિન કન્ઝર્વેટિવ સરકારે યુકેમાં ઇમિગ્રેશન ઘટાડવા માટે આકરા નિયમો અમલી બનાવ્યાં હતાં. જેમાં વિદેશી વિદ્યાર્થી અને કેર વર્કરના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.