લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમમાં સ્ટુડન્ટ લોનના કૌભાંડમાં સૌથી ખરાબ નામ લંડનની યુનિવર્સિટીનું બહાર આવ્યું છે. સ્ટુડન્ટ્સ લોન કંપની (SLC)એ 2022ના વર્ષથી 6.2 મિલિયન પાઉન્ડના મૂલ્યની 543 ફ્રોડ એપ્લિકેશન્સ ઓળખી કાઢી છે જેની સાથે યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનના વિદ્યાર્થીઓ સંકળાયેલા છે.
લીક થયેલા ડેટા અનુસાર યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં 11,000થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે જેમાંથી 20 ટકા વિદ્યાર્થી વિદેશી છે. તેનું સ્થાન દેશની છ હાયર એજ્યુકેશન સંસ્થાઓમાં છે જ્યાં લોનકોભાંડનું પ્રમાણ સૌથી ઊંચું છે. આ છ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ડેન યુનિવર્સિટી, કેન્ટરબરી ક્રાઈસ્ટ ચર્ચ યુનિવર્સિટી, બકિંગહામશાયર ન્યુ યુનિવર્સિટી, ધ યુનિવર્સિટી ઓફ સફોલ્ક અને લીડ્સ ટ્રિનિટી યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. સન્ડે ટાઈમ્સના અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓ દ્વારા નોંધ વિના અથવા નજરઅંદાજી સાથે લોન અરજીઓ કરી શકતા હતા. કોઈ પણ યુનિવર્સિટીને SLCએ વિદ્યાર્થીઓ દ્વારા ઠગાઈયુક્ત દાવાઓ વિશે માહિતી આપી નથી.
ઈલિંગ અને બ્રેન્ટફોર્ડમાં કેમ્પસીસ ધરાવતી યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન દ્વારા જણાવાયું હતું કે ખોટી રીતે ફંડિંગનો દાવો કરનારા વિદ્યાર્થીમાં 70 ટકાએ ઓક્સફર્ડ બિઝનેસ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતુ.યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન દ્વારા ફ્રેન્ચાઈઝ્ડ પ્રોવાઈડર સાથે બિઝનેસ સ્ટડીઝ સહિત કેટલાક કોર્સીસ શીખવવા કોન્ટ્રાક્ટ કરાયેલો છે. જોકે, આ પદ્ધતિની ગુણવત્તા સામે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને તપાસ હાથ નધર્યા પછી યુનિવર્સિટીએ 2022માં આ કોલેજ સાથે એગ્રીમેન્ટ ટર્મિનેટ કર્યો હતો.
સૌથી વધુ અસરગ્રસ્ત 6 યુનિવર્સિટીઓમાં 22 મિલિયન પાઉન્ડની અરજીઓ છેતરપીંડી સાથેની હોવાનું ઓળખી કઢાયું હતું જેમાંથી 14.9 મિલિયન પાઉન્ડની અરજીઓ સસ્પેન્ડ કરાઈ હતી. આમ છતાં, ફંડિંગ ગ્રાન્ટ્સ અને મેઈન્ટેનન્સ લોનના 7.1 મિલિયન પાઉન્ડ સીધા જ વિદ્યાર્થીઓને ચૂકવી અપાયા હતા. એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસને જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓની નજર તળેથી લોન સિસ્ટમનો દુરુપયોગ કરાઈ રહ્યો છે.