લંડનઃ યુકેના રિટેલર્સે ચેતવણી ઉચ્ચારી છે કે સ્ટોર્સમાં થતી ચોરી માઝા મૂકી રહી છે. દિવસમાં 55,000 જેટલી ઓલ ટાઇમ હાઇ ચોરી નોંધાઇ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં સ્ટોર્સમાં થતી ચોરીમાં 50 ટકાનો પ્રચંડ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમના વાર્ષિક ક્રાઇમ સરવે અનુસાર પ્રતિ દિન 70થી વધુ ઘટનામાં હથિયારનો ઉપયોગ જોવા મળે છે.
સરવેમાં જણાવવામાં આવ્યું છે કે શોપ્સમાં શાબ્દિક અને શારીરિક હુમલા, હિંસક ધમકી, રેસિયલ ધમકીના છેલ્લા એક વર્ષમાં પ્રતિદિન 2000થી વધુ બનાવ નોંધાયા છે. 2020ની સરખામણીમાં આ 3 ગણા છે. યુકેના રિટેલ સેક્ટરમાં 1.1 મિલિયન કર્મચારીઓ કામ કરે છે. છેલ્લા એક વર્ષમાં ચોરીની ઘટનાઓ 20 મિલિયનને પાર કરીને ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચી છે. જે તેના અગાઉના વર્ષ કરતાં 25 ટકાનો વધારો દર્શાવે છે. ચોરીની આ ઘટનાઓના કારણે રિટેલર્સને 2.2 બિલિયન પાઉન્ડ જેટલું મહાકાય નુકસાન થયું છે. ગેંગો દ્વારા સમગ્ર દેશમાં સ્ટોર્સને સુનિયોજિત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
તાજેતરના વર્ષોમાં મોંઘવારીને પગલે પરિવારોના બજેટ ખોરવાઇ જતાં શોપ લિફ્ટિંગની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જોકે રિટેલર્સ આના માટે ઓર્ગેનાઇઝ્ડ ગેંગોને જવાબદાર ગણાવી રહ્યાં છે. 2014માં કાયદામાં બદલાવ થયા પછી રિટેલર્સ સોફ્ટ ટાર્ગેટ બની ગયાં છે.
રિટેલર્સનો આરોપ છે કે પોલીસ દ્વારા આ પ્રકારના અપરાધને પ્રાથમિકતા અપાતી નથી તેથી તેમાં વધારો થયો છે. પ્રાઇવેટ સિક્યુરિટી સ્ટાફ કોઇને ચોરી કરતા પકડે તો પણ પોલીસ કાર્યવાહી કરતી નથી.
શોપ્સ અને સર્વિસ ફર્મ્સને રોકડ સ્વીકારવાની ફરજ નહીં પડાય
ટ્રેઝરીના નવા ઇકોનોમિક સેક્રેટરી એમ્મા રેનોલ્ડ્સે જણાવ્યું છે કે દુકાનો અને સર્વિસ ફર્મ્સને રોકડ સ્વીકારવાની ફરજ પાડવામાં નહીં આવે. લાખો ગરીબો રોકડ દ્વારા ખરીદી કરતાં હોવા છતાં આ નિર્ણય લેવાયો છે. રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, કોફી શોપ્સ, રેલવે ટ્રેનો અને લીઝર સેન્ટર્સ રોકડ નહીં સ્વીકારીને લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે. જોકે યુકે ટૂંકાગાળામાં સંપુર્ણ કેશલેસ બને એવી કોઇ સંભાવના નથી.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઇચ્છે છે કે દરેક વ્યક્તિ પાસે રોકડ ઉપલબ્ધ હોય સાથે સાથે તેમની ડિજિટલ સ્કીલ્સમાં પણ સુધારો થાય. યુકેમાં રોકડ લીગલ ટેન્ડર છે પરંતુ બિઝનેસો માટે ફક્ત રોકડમાં જ ખરીદી કરવા ઇચ્છતા લોકોને સુવિધા આપવી ફરજિયાત નથી.