લંડનઃ સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં બ્રિટનમાં યોજાયેલી કાઉન્સિલ અને મેયરોની ચૂંટણીમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને અપેક્ષા પ્રમાણે જ ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. 107 કાઉન્સિલોની ચૂંટણીમાં લેબર પાર્ટીએ પોતાનો દબદબો વધારતાં 41 કાઉન્સિલ પર પોતાનો કબજો યથાવત રાખીને 10 નવી કાઉન્સિલ પર પ્રભુત્વ સાથે કુલ 51 કાઉન્સિલ પર પોતાનો વાવટો લહેરાવ્યો હતો. જેની સામે કન્ઝર્વેટિવ પાર્ટીને 10 કાઉન્સિલમાંથી સત્તામાંથી બેદખલ થવાનો વારો આવ્યો હતો. જોકે આશ્વાસન પુરતું ટોરીઝના કબજામાં 6 કાઉન્સિલ યથાવત રહી હતી. કાઉન્સિલની આ વખતની ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ પોતાની ક્ષમતામાં વધારો કરતાં બે નવી કાઉન્સિલ સાથે 12 કાઉન્સિલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે 38 કાઉન્સિલમાં કોઇ પણ એક પાર્ટીને બહુમતી હાંસલ થઇ નહોતી.
લંડન સહિતના 11 શહેરોની મેયરપદની ચૂંટણીમાં પણ લેબર પાર્ટીનો દબદબો યથાવત રહ્યો હતો. લેબર પાર્ટીએ લંડન સહિત 10 શહેરના મેયરપદ પર કબજો જમાવ્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીને ટીસ વેલી સિવાય એકપણ શહેરમાં મેયરપદ મેળવવામાં સફળતા હાંસલ થઇ નહોતી. લંડન એસેમ્બ્લીમાં પણ લેબર પાર્ટીએ 25માંથી 11 બેઠક હાંસલ કરીને દબદબો જાળવી રાખ્યો હતો. (વિશેષ અહેવાલ પાનઃ 02)
કન્ઝર્વેટિવ પાર્ટી
06 કાઉન્સિલ
લેબર પાર્ટી
51 કાઉન્સિલ
લિબરલ ડેમોક્રેટ પાર્ટી
12 કાઉન્સિલ
કોઇને બહુમતી નહીં
38 કાઉન્સિલ