લંડનઃ સ્થૂળ પેશન્ટ્સ પાતળા બની શકે તે માટે ૧૨ સપ્તાહના ખર્ચાળ ‘વેઈટ વોચર્સ’ કાઉન્સેલિંગ સેશન્સમાં મોકલવા NHSના ડોક્ટર્સને જણાવાયું છે. હેલ્થ વોચડોગ NICEનું માનવું છે કે પ્રતિ કલાકના ૧૦૦ પાઉન્ડની કિંમતની થેરાપી દેશની સ્થૂળતાના રોગચાળાને ઘટાડી શકશે. જોકે, ટીકાકારોએ આ યોજનાને વાહિયાત અને કરદાતાના નાણાને પાણીમાં વહાવનારી ગણાવી છે. ડોક્ટરો સ્થૂળ દર્દીઓને મફત ગેસ્ટ્રિક બેન્ડ ઓપરેશન્સ માટે રીફર કરે તેવી ભલામણ પણ નવી ગાઈડલાઈન્સમાં કરાઈ છે.
સંશોધનો અનુસાર બ્રિટનમાં ૨૫ ટકાથી વધુ પુખ્ત લોકો મેદસ્વી છે. સ્થૂળતા સંબંધિત આરોગ્ય સમસ્યાઓનાં લીધે NHSને વાર્ષિક ઓછામાં ઓછાં ૫.૧ બિલિયન પાઉન્ડ અને સમગ્ર ઈકોનોમીને ૧૬ બિલિયન પાઉન્ડ ખર્ચવા પડે છે. મુખ્યત્વે સ્થૂળતાથી થતાં ટાઈપ-ટુ ડાયાબીટીસની સારવારના પ્રીસ્ક્રિપ્શન્સ પાછળ ગયા વર્ષે NHS દ્વારા લગભગ એક બિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા, જે ઈંગ્લેન્ડના તમામ પ્રીસ્ક્રિપ્શન્સના ખર્ચના ૧૦.૬ ટકા જેટલાં છે.
NICE દ્વારા ફ્રી કાઉન્સેલિંગ અને ‘વેઈટ વોચર્સ’ સેશન્સના બચાવમાં કહેવાયું છે કે લાંબા ગાળે તે NHSનો ખર્ચ બચાવશે. ડોક્ટરોએ જો પેશન્ટનું વજન ઘટે નહિ તો તેમના ખોરાક વિશે કાઉન્સેલિંગ માટે પણ મોકલવા જોઈએ. જીપી માટેની ગાઈડલાઈન્સ કહે છે કે ગંભીર રીતે સ્થૂળ દર્દીઓને તત્કાર ગેસ્ટ્રિક બાયપાસ કે ગેસ્ટ્રિક બેન્ડ ઓપરેશન્સ માટે રીફર કરવા જોઈએ, જેનો સામાન્ય ખર્ચ ૫,૦૦૦થી ૧૦,૦૦૦ પાઉન્ડ જેટલો આવે છે.