લંડનઃ સ્લાઉના લેબર કાઉન્સિલર પવિતર કૌર માનને વિન્ડસર સંસદીય બેઠકના લેબર ઉમેદવાર જાહેર કરાયા છે. પવિતર કૌર માન હાલમાં લેબર ગ્રુપના નેતા છે અને સ્લાઉ બરો કાઉન્સિલમાં બ્રિટવેલનું પ્રતિનિધિત્વ કરે છે. માને તેમના કાર્યકાળમાં બ્રિટવેલ માટે ઘણા કામ કર્યાં છે. તેમણે સ્લાઉ યૂથ પાર્લામેન્ટની સ્થાપના પણ કરી છે.
કાઉન્સિલર માન આર્મ્ડ ફોર્સિસ ચેમ્પિયન તરીકે પણ સેવાઓ આપે છે અને સ્થાનિક સ્તરે કોમનવેલ્થ વેટરન્સમાં સારો પ્રભાવ ધરાવે છે. તેઓ કહે છે કે હું વિન્ડસરના નવા મતવિસ્તારના તમામ રહેવાસીઓનો બુલંદ અવાજ બની રહીશ. મારા મતવિસ્તારના લોકો કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારથી ઘણા નાખુશ છે. સ્થાનિક સાંસદની ગેરહાજરીએ વિન્ડસરના મતદારોની અવગણના કરી છે.
માને જણાવ્યું હતું કે, હું પૂર સામે સંરક્ષણ, પાણીની ગુણવત્તા, મોંઘવારી માટે લડત ચલાવીશ. વિન્ડસરના સૈનિકો અને તેમના પરિવારોને મારું સંપુર્ણ સમર્થન રહેશે. જો હું ચૂંટાઇ આવીશ તો વિન્ડસરના દરેક રહેવાસી માટે વેસ્ટમિન્સ્ટરમાં અવાજ ઉઠાવીશ.