લંડનઃ ઈંગ્લેન્ડે ૧૯ જુલાઈ, સોમવારે લોકડાઉન નિયંત્રણોમાંથી આઝાદી મેળવવાની ઉજવણી કરી હતી. માસ્ક પહેરવા, વર્ક ફ્રોમ હોમ, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કાનૂની નિયમોનો અંત આવ્યો છે પરંતુ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકોને વ્યક્તિગત જવાબદારી સાથે કેટલાક નિયંત્રણોનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. બીજી તરફ, કોવિડ-૧૯ પ્રવાસ નિયમો અને સંક્રમિત લોકો સાથે ગાઢ સંપર્કમાં આવનારાઓ માટે ક્વોરેન્ટાઈન નિયમો યથાવત્ રખાયા છે.
યુકેમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કેસીસ વધી રહ્યા હોવા છતાં, નિયંત્રણો રદ કરવાના સરકારના પગલાને વૈજ્ઞાનિકો ભારે ઉતાવળિયું ગણાવી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોએ સપ્ટેમ્બરમાં યુકેમાં દૈનિક સરેરાશ ૬૮,૦૦૦થી ૧૦૦,૦૦૦ કોરોના કેસ નોંધાવાની આગાહી કરવા સાથે નિયંત્રણો હટાવવાના મામલે સરકારની આકરા શબ્દોમાં ટીકા પણ કરી છે. બ્રિટિશ મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’માં કન્ઝર્વેટિવ સરકારના નિર્ણયની આકરી ટીકા પત્રને વિશ્વના ૧૨૦૦ વિજ્ઞાનીઓએ ટેકો આપ્યો છે. તેમણે કહ્યું છે કે ઈંગ્લેન્ડનું અનલોકિંગ એટલે કે ‘ફ્રીડમ ડે’ સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બની રહેશે.
દરમિયાન, ૧૯ જુલાઈના આઝાદી દિનની વિશેષતા એ બની રહી હતી કે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ ખુદ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે અને સેલ્ફ આઈસોલેશનમાં જવાથી તેમની ‘આઝાદી’ છીનવાઈ હતી. આ રીતે જ તેમના ગાઢ સંપર્કમાં આવેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકને પણ સેલ્ફ આઈસોલેશનમાં જવાની ફરજ પડી છે. જોકે, જ્હોન્સનનો ટેસ્ટ સોમવારે નેગેટિવ આવ્યો હતો.
માર્ચ ૨૦૨૦ પછી ઈંગ્લેન્ડની નાઈટ ક્લબ્સે પહેલી વખત તેમના ડાન્સ ફ્લોર્સ નૃત્યપ્રેમીઓ માટે ખુલ્લા મૂક્યા હતા. હજારો લોકોએ આખી રાત ડાન્સ ફ્લોર્સ પર ડાન્સની રમઝટ જમાવી હતી. અહેવાલો અનુસાર ઉજવણીમાં મદમસ્ત બ્રિટિશરો ૧૦ મિલિયન પિન્ટ આલ્કોહોલ ગટગટાવી ગયા હતા. આ ઉપરાંત, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, સિનેમા અને થિયેટર્સ પણ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થયા છે. લગ્ન સમારંભો તેમજ ફ્યુનરલ્સમાં હાજર રહેવા માટે લોકોની સંખ્યામર્યાદા હટાવી લેવાઈ છે.
નિયંત્રણો ઉઠાવી લેવાતાં હોસ્પિટાલિટી, એન્ટરટેઈન્મેન્ટ અને બિઝનેસ ક્ષેત્રમાં અપાર આનંદ ફેલાયો છે ત્યારે ભારતમાં સૌપહેલા દેખાયેલા ડેલ્ટા વેરિએન્ટનો પ્રકોપ યુકેમાં પણ વધી રહ્યો છે તેવા સમયે નિયંત્રણે ઉઠાવી લેવાયાથી વૈજ્ઞાનિકો સહિત તબીબો અને નિષ્ણાતોમાં ચિંતા પ્રસરી છે.
જોકે, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે આ વખતે ૧૯ જુલાઈના આઝાદી દિનમાં કોઈ વિલંબ નહીં થાય પરંતુ, જો પરિસ્થિતિ ચિંતાજનક જણાશે તો ફરીથી લોકડાઉન લાદવામાં પણ પાછીપાની નહિ કરાય. ઉલ્લેખનીય છે કે અગાઉ, કોરોના કેસીસ વધવાના પરિણામે ૨૧ જૂનના આઝાદી દિનને ચાર સપ્તાહ સુધી વિલંબમાં મૂકાયો હતો.
યુકેમાં જાન્યુઆરી પછી પ્રથમ વખત દૈનિક ૫૦,૦૦૦થી વધુ કોવિડ કેસીસ ગત સપ્તાહે નોંધાયા હતા. જોકે, મૃત્યુનું પ્રમાણ વધ્યું ન હોવાથી હાશકારો જણાય છે. દેશમાં શનિવારે ૫૪,૬૭૪ અને રવિવારે ૪૭,૬૦૦થી વધુ લોકોના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને ૭૪૦ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. અગાઉ ૧૫ જાન્યુઆરીએ બીજી લહેર દરમિયાન ૫૫,૫૫૩ કેસ નોંધાયા હતા.
બીજી તરફ, યુકેમાં વેક્સિનેશન ઝડપી બનાવવા પ્રયાસો આરંભી દેવાયા છે. સરકારના જણાવ્યા મુજબ દેશની વસ્તીના અડધાથી થોડા વધુ એટલે કે ૬૮.૩ ટકા વયસ્કોને કોરોના વેક્સિનના બે ડોઝ આપી દેવાયા છે જેનાથી જાહેર આરોગ્યને જોખમ ઘટી જશે. યુકેના અન્ય દેશો - સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ લોકડાઉનમાંથી બહાર નીકળવા બાબતે સાવધાની દર્શાવી રહ્યા છે અને માસ્ક પહેરવામાં કોઈ છૂટછાટ આપી નથી.