સ્વરોજગારીઓને નેશનલ ઇન્શ્યુરન્સમાંથી મુક્તિનું સુનાકનું વચન

ઇમિગ્રેશનમાં 50 ટકા ઘટાડો, પેન્શનરોને ટ્રીપલ લોક દ્વારા ટેક્સથી સંરક્ષણ, નવા 1.6 મિલિયન મકાનનું નિર્માણ, ફર્સ્ટ ટાઇમ બાયર્સને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ જેવા ટોરીના વચનો

Tuesday 11th June 2024 12:04 EDT
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન રિશી સુનાકે સિલ્વરસ્ટોન ખાતે 11 જૂનના મંગળવારના રોજ તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે તેમની કેબિનેટના મંત્રીઓ સહિત પત્ની અક્ષતા મૂર્તિ અને મોટી સંખ્યામાં કન્ઝર્વેટિવ સમર્થકો હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું માનુ છું કે બ્રિટન વિશ્વમાં શ્રેષ્ઠની બરાબરી કરી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટી વધુ બ્રિટિશ સક્સેસ સ્ટોરીઝ જોવા માગે છે. અમારો ચૂંટણી ઢંઢેરો યુનાઇટેડ કિંગડમ માટે સ્પષ્ટ માર્ગ કંડારી રહ્યો છે.

સુનાકે પોતાના દાવાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, લેબર પાર્ટીની સરકાર આવશે તો ટેક્સમાં 2000 પાઉન્ડ કરતાં વધુનો વધારો ઝીંકશે. આ કરબોજનો ભાર પરિવારો ઝીલી શકશે નહીં અને આવું ન બને તે જોવાની આપણી ફરજ છે. સુનાકે જણાવ્યું હતું કે તમારો કન્ઝર્વેટિવ સાંસદ તમને ઓછા કરવેરા, નીચા ઇમિગ્રેશન, સંરક્ષિત પેન્શન અને નેટ ઝીરોના લાભ અપાવશે. આપણા દેશને સુરક્ષિત ભવિષ્યની જરૂર છે અને તે કન્ઝર્વેટિવ પાર્ટી આપી શકે છે.

કન્ઝર્વેટિવના ચૂંટણી વચનો

-          લગભગ 4 મિલિયન સ્વરોજગાર મેળવનારાને નેશનલ ઇન્શ્યુરન્સ પેમેન્ટમાંથી મુક્તિ અપાશે

-          અન્ય નોકરીયાતો માટે નેશનલ ઇન્શ્યુરન્સ વધુ બે ટકા ઘટાડીને 6 ટકા પર લાવી દેવાશે

-          ટ્રીપલ લોક દ્વારા સ્ટેટ પેન્શન પર ઇન્કમ ટેક્સ ન લદાય તે સુનિશ્ચિત કરાશે, પેન્શનરો પર લાગુ થતા ટેક્સમાં ઘટાડો કરાશે

-          બેનિફિટ્સ બિલ, સિવિલ સર્વિસ, કન્સલ્ટન્ટ પરના સેવિંગ્સમાં ઘટાડો કરીને કરવેરામાં 17 બિલિયન પાઉન્ડની રાહત અપાશે

-          ઇમિગ્રેશન અને માઇગ્રેશન પર મર્યાદા લગાવાશે, દર વર્ષે સંસદના માધ્યમથી ઇમિગ્રન્ટની સંખ્યા નક્કી કરાશે, ઇમિગ્રેશન 50 ટકા ઘટાડી દેવાશે

-          રવાન્ડા ફ્લાઇટ અવરોધવાનો પ્રયાસ કરાશે તો યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ સાથે છેડો ફાડી નંખાશે

-          આગામી પાંચ વર્ષમાં 1.6 મિલિયન નવા મકાનોનું નિર્માણ કરાશે

-          પહેલીવાર મકાન ખરીદનારા માટે 4,25,000 પાઉન્ડ સુધીની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરાશે

-          મકાન ખરીદવાનું સરળ બનાવવા નવી હેલ્પ ટુ બાય સ્કીમ શરૂ કરાશે

-          2030 સુધીમાં સંરક્ષણ ખર્ચ જીડીપીના 2.5 ટકા સુધી વધારાશે

-          મહિલા સુરક્ષા માટે ઇક્વાલિટી એક્ટમાં સુધારો કરી સિંગલ સેક્સ સ્પેસ સુનિશ્ચિત કરાશે

-          સોશિયલ કેર કોસ્ટ પર મર્યાદા અને ધુમ્રપાન પર પ્રતિબંધ માટે પ્રતિબદ્ધ

-          કથિત ફાલતુ ડિગ્રીઓ માટેની સહાય અટકાવી 1 લાખ હાઇ ક્વોલિટી એપ્રેન્ટિસશિપ શરૂ કરાશે

હું જાણું છું કે જનતા મારા અને ટોરી પાર્ટીથી નારાજ છેઃ સુનાક

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું એ હકીકતથી સારી રીતે વાકેફ છું કે જનતા મારાથી અને મારી પાર્ટીથી નારાજ છે. હું સ્વીકારું છું કે હંમેશા બધી બાબતો સરળ હોતી નથી અને અમે દરેક સમસ્યા દૂર કરી શક્યાં નથી. પરંતુ અમે જ એક એવી પાર્ટી છે જે આ દેશને જીવન જીવવા માટેનું સારું સ્થળ બનાવી શકે છે. લેબર પાર્ટી કોઇ સમસ્યાનો ઉકેલ આપી શકે તેમ નથી.

સુનાકે જેરેમી કોર્બિન સ્ટાઇલનો મેનિફેસ્ટો રજૂ કર્યોઃ સર કેર સ્ટાર્મર

લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે આરોપ મૂકયો હતો કે કન્ઝર્વેટિવ પાર્ટીએ જેરેમી કોર્બિન સ્ટાઇલનો મેનિફેસ્ટો રજૂ કર્યો છે. ટોરી પાર્ટીએ એવા વચનો આપ્યાં છે જે તમામ પ્રકારનો બોજો વધારશે. પાર્ટીએ સ્પષ્ટતા કરી નથી કે આ નાણા ક્યાંથી આવશે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જો તમે મતદારોના હિત લક્ષમાં લેતાં નથી તો ખરાબ રીતે પરાજિત થાવ છો. તમારે તમારી પાર્ટી સામે જોઇને કહેવું જોઇએ કે તમારે બદલાવની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની સંસદની ચૂંટણીમાં તત્કાલિન લેબર નેતા જેરેમી કોર્બિને પણ તમામને વિનામૂલ્યે બ્રોડબેન્ડ, વીજળી કંપનીઓના રાષ્ટ્રીયકરણ અને પાણી કંપનીઓ અંગે આ પ્રકારના મહત્વાકાંક્ષી વચનો જ આપ્યાં હતાં. સ્ટાર્મરે એવો પણ આરોપ મૂક્યો હતો કે રિશી સુનાક તેમના પુરોગામી લિઝ ટ્રસને અનુસરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter