લંડનઃ નોર્વે અને ડેનમાર્કે અરસપરસ સરહદો ખોલી નાખી છે જેથી, તેમના નાગરિકા અવરજવર કરી શકે. જોકે, લોકડાઉન નહિ કરાયેલા સ્વીડનમાં હાઈ ઈન્ફેક્શન દરના કારણે આ દેશોએ સ્વીડનના નાગરિકો માટે તેમની બોર્ડર્સ હજુ ખુલ્લી મૂકી નથી. સ્વીડનમા ૫.૫૯ પ્રતિ મિલિયનનો મૃત્યુદર નોંધાયો છે. ડેનમાર્કે ૧૫ જૂનથી તેની સરહદો થોડાં નિયંત્રણો સાથે જર્મની, નોર્વે અને આઈસલેન્ડના નાગરિકો માટે ખુલ્લી મૂકશે. સામા પક્ષે નોર્વેએ પણ ડેનિશ મુલાકાતીઓ માટે સરહદ ખોલવા જાહેરાત કરી છે. સ્વીડન માટે ઉનાળા પછી જાહેરાત થઈ શકે છે.
ડેનમાર્કમાં પ્રવેશતા નોર્વે, જર્મની અને આઈસલેન્ડના પર્યટકોએ તેમણે દેશમાં ઓછામાં ઓથી છ રાત્રિના રોકાણનું બુકિંગ કરાવ્યું હોવાનું સાબિત કરવાનું રહેશે અને તેઓ કોપનહેગનમાં રાત્રિરોકાણ કરી શકશે નહિ. વિશ્વમાં સ્વીડનમાં સૌથી વધુ મૃત્યુદર હોવાથી સ્વીડિશ નાગરિકો માટે સરહદો ખોલી નથી. સમગ્ર વિશ્વમાં પ્રતિ મિલિયન ૦.૪૯નાં સરેરાશ મૃત્યુદર કરતાં તે ૧૧ ગણો ઊંચો છે. સ્વીડન પછી બ્રાઝિલ (૪.૫૧), સાન મારિનો (૪.૨૧), પેરુ (૪.૧૨) અને યુકે (૩.૭૮)નો ક્રમ આવે છે. સ્વીડનનો મૃત્યુદર નોર્વે કરતાં ૧૦ ગણો અને ડેનમાર્ક કરતાં ચાર ગણો વધુ છે.
લોકડાઉન નહિ કરવા સાથે સરહદો, રેસ્ટોરાં અને શાળાઓ ખુલ્લી રાખનારા સ્વીડનમાં ૨૯ મે સુધીના સપ્તાહમાં કોરોના વાઈરસથી પ્રતિ મિલિયન ૫.૫૯નો મૃત્યુદર જોવા મળ્યો છે. મોટાં મેળાવડાઓ પર પ્રતિબંધ હતો. સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કર્યો હતો અને બહુમતી નાગરિકોએ તેનું પાલન કર્યું હતું. નોર્ડિક દેશો દ્વારા એકસરખા નિર્ણય લેવાય તેવી સ્વીડનની વિનંતી અન્ય દેશોએ માન્ય રાખી નથી. ગ્રીસ, એસ્ટોનિયા અને લેટવિયા જેવા દેશોએ પણ સ્વીડનના નાગરિકો માટે સરહદો ખોલી નથી.