લંડનઃ બ્રિટનમાં રહેતા હજારો ઈયુ નાગરિકોને મળતા બેનિફિટ્સ આગામી મહિનાથી બંધ થઈ જશે. બેક્ઝિટ પછી યુકેના સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની હોય તેનાથી પણ સંખ્યાબંધ લોકો અજાણ છે. ઈયુ નાગરિકોના અધિકારો માટે લડતા કેમ્પેઈનર્સે સરકારને ચેતવણી આપી છે કે આ નિર્ણયથી હજારો ઈયુ નાગરિકો બેહાલ બની જશે.
બેનિફિટ્સ મેળવતા આશરે ૭૦,૦૦૦ યુરોપિયન નાગરિકોએ જૂન મહિનામાં પૂર્ણ થયેલી સમયમર્યાદા પહેલા યુકેમાં વસવાની મંજૂરીના દરજ્જા માટે હજુ અરજી કરેલી નથી. જે ઈયુ નાગરિકોએ ઈયુ સેટલમેન્ટ સ્કીમ (EUSS) હેઠળ અરજી કરી નથી તેમને સપ્ટેમ્બરમાં આખરી ચેતવણીપત્ર મોકલવામાં આવશે. તેમના બેનિફિટ્સની ચૂકવણી બંધ કરાતા અગાઉ તેમને એક મહિનાનો સમય પણ અપાશે. સરકારે મોડા અરજી કરવાની પરવાનગી આપી હોવાં છતાં, પેપરવર્ક નહિ જાણતા અને ITની મુશ્કેલી અનુભવતા ઘણા લોકો તેનો લાભ લઈ શકશે નહિ તેમ કેમ્પેઈનર્સે જણાવ્યું છે.