લંડનઃ હોમ ઓફિસે નોકરીદાતાઓ પર એન્ફોર્સમેન્ટ એક્શન લેવાનું શરૂ કરતાં કોઇપણ પ્રકારના વાંક-ગુના વિના હજારો માઇગ્રન્ટ કેર વર્કરો પર દેશનિકાલનું જોખમ તોળાઇ રહ્યું છે. એક કિસ્સામાં ભારતથી આવેલા એક ભાઇ-બહેને યુકેમાં કેર વર્કર તરીકેની નોકરી પ્રાપ્ત કરવા માટે રિક્રુટમેન્ટ એજન્સીને 18,000 પાઉન્ડ ચૂકવ્યાં હતાં. હવે તેમને જાણ થઇ છે કે તેમની સાથે છેતરપિંડી થઇ છે. હોમ ઓફિસ દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ 60 દિવસમાં અન્ય સ્પોન્સર કંપની શોધી લે અથવા તો યુકે છોડીને પોતાના વતન પાછા ચાલ્યા જાય.
ઝૈનબ અને ઇસ્માઇલ કોન્ટ્રાક્ટર સગા વહાલા પાસેથી નાણા એકઠાં કરીને યુકે પહોંચ્યા હતા પરંતુ અહી આવીને તેમને જાણ થઇ હતી કે તેમને અપાયેલા વચન પ્રમાણે કોઇ વ્યવસ્થા જ નથી. તેમને કોઇ કામ પણ આપવામાં આવ્યું નહોતું. એપ્રિલ મહિનામાં તેમને જાણ થઇ હતી કે જે કંપની દ્વારા તેમના વિઝા સ્પોન્સર કરાયા હતા તેનું કેર વર્કર નિયુક્ત કરવાનું લાયસન્સ જ હોમ ઓફિસે રદ કરી નાખ્યું છે. હવે તેમને દેવાના બોજા સાથે ભારત પરત ફરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.
બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવલ જર્નાલિઝમ અને ઓબ્ઝર્વર દ્વારા કરાયેલા ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે કે 2022 અને 2023માં હોમ ઓફિસ દ્વારા 3081 કેર વર્કરોના સ્પોન્સરશિપ સર્ટિ રદ કરી દેવામાં આવ્યાં હતાં. 94 ટકા કિસ્સામાં જે કંપની દ્વારા તેમને નોકરી માટે રખાયા હતા તેમના લાયસન્સ જ સરકારે રદ કરી દીધાં હતાં. આ તપાસના અંતે કેર વર્કરો માટેની વિઝા સિસ્ટમમાં મહત્વના સુધારા કરવાની માગ બુલંદ બની રહી છે. રિક્રુટમેન્ટ કંપનીઓના પાપે વિદેશથી આવતા કેરવર્કરો યાતના ભોગવી રહ્યાં છે અને બીજીતરફ સરકારના વલણના કારણે તેમના પર દેશનિકાલની તલવાર તોળાઇ રહી છે. સરકાર નિયમોનું પાલન કરતા લોકોને નાહકના દંડી રહી છે.
બીજીતરફ હોમ ઓફિસ કહે છે કે અમે આ પગલાં કેર વર્કરોના શોષણને અટકાવવા લઇ રહ્યાં છીએ. અમે લાયસન્સ રદ થવાના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા કેર વર્કરોને અન્ય નોકરી આપીને સપોર્ટ પણ કરી રહ્યાં છીએ.