લંડનઃ સંસદની ચૂંટણી પહેલાં સંભવિત છેલ્લું બજેટ ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયું. કહીં ખુશી કહીં ગમ જેવા આ સ્પ્રિંગ બજેટમાં ચાન્સેલર હન્ટે નેશનલ ઇન્શ્યુરન્સમાં બે ટકાની રાહત આપીને વર્કિંગ ક્લાસના દિલ જીતવાનો પ્રયાસ તો કર્યો પરંતુ ઇન્કમ ટેક્સમાં કોઇ રાહત આપી નથી. ચાન્સેલરે એક તરફ રાહત આપીને બીજી તરફ સરકારની તિજોરી ભરવાનો પણ પ્રયાસ કર્યો છે. ચાન્સેલરે વિવાદાસ્પદ બનેલા નોન ડોમ સ્ટેટસની નાબૂદીની મહત્વની જાહેરાત પણ કરી છે.
સુનાક સરકારે આ મુદતના છેલ્લા બજેટમાં ચાઇલ્ડ બેનિફિટ્સનો દાયરો વધારીને વાલીઓને રાહત આપી છે. યુનિવર્સલ ક્રેડિટ મેળવતા પરિવારોને સરકાર પાસેથી લીધેલી ઇમર્જન્સી લોન ચૂકવવા માટે વધારાના એક વર્ષનો સમય અપાયો છે.
ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, તેઓ બજેટિંગ એડવાન્સની પુનઃચૂકવણીનો સમય 12 મહિનાથી વધારીને 24 મહિના કરી રહ્યાં છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડિત પરિવારોને મદદ માટે શરૂ કરાયેલા ભંડોળની મુદત વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે.
ચાન્સેલરે ઇંધણો પરની ડ્યુટીમાં વધારો નહીં કરીને વાહનચાલકોના દિલ જીતવાના પ્રયાસ કર્યાં છે પરંતુ ઓઇલ કંપનીઓ પરના વિન્ડફોલ ટેક્સની મુદત એક વર્ષ લંબાવી છે. આલ્કોહોલ ડ્યુટી ફ્રીઝ કરીને પાર્ટીના રસિયાઓને ખુશ કરી દીધાં છે તો વેપ્સ પર ટેક્સ અને તમાકુ પર ડ્યુટી વધારવાના આવકારદાયક નિર્ણય પણ કર્યાં છે.
ચાન્સેલર જેરેમી હન્ટે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના અમીર પ્રવાસીઓ પર ટેક્સ વધારવાની જાહેરાત કરતાં હવાઇ મુસાફરી મોંઘી બનશે. હન્ટે આ બંને ક્લાસના પ્રવાસીઓ પર એર પેસેન્જર ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી હતી. બીજીતરફ એક કરતાં વધુ પ્રોપર્ટી ખરીદનારને અપાતી સ્ટેમ્પ ડ્યુટી રાહત નાબૂદ કરવા અને હાયર પ્રોપર્ટી કેપિટલ ગેઇન ટેક્સ 28 ટકાથી ઘટાડીને 24 ટકા કરવાની જાહેરાત કરી છે.
ચાન્સેલર જેરેમી હન્ટે ટેક્સ ફ્રી બ્રિટિશ ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમની જાહેરાત કરી હતી. યુકેની કંપનીઓમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા આ સ્કીમ શરૂ કરાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, આ સ્કીમમાં યુકેની કંપનીઓ, સ્ટોક્સ અને ડેબ્ટ્સમાં 5000 પાઉન્ડ સુધીનું રોકાણ કરી શકાશે.
વેટ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે નાના બિઝનેસની કરપાત્ર ટર્નઓવર મર્યાદા 85,000 પાઉન્ડથી વધારીને 90,000 પાઉન્ડ કરાઇ છે. સરકારે કોરોના મહામારી દરમિયાન શરૂ કરાયેલી ગ્રોથ ગેરેંટી સ્કીમ માર્ચ 2026 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.