લંડનઃ પ્રિન્સ હેરી યુકેમાં પોતાની આખરી રાજવી ભૂમિકા ભજવ્યા પછી પત્ની મેગન અને બેબી આર્ચીની સાથે રહેવા સોમવારે રાત્રે કેનેડાના વાનકુવર પહોંચી ગયા હતા. હેરી અને મેગને રાજવી પરિવારની મુખ્ય ભૂમિકા છોડી સ્વતંત્ર જીવન જીવવાના જાહેર કરેલા નિર્ણયને ક્વીન અને રાજવી પરિવારે અનુમતિ આપી હતી. આ મુદ્દે ક્વીનના નિવેદન સ્વરુપે કેટલીક શરતો સાથે સમજૂતી પણ જાહેર કરાઈ હતી. આ મુજબ તેઓ રોયલ હાઈનેસીસ ટાઈટલ તેમજ પબ્લિક સોવરિન ફંડનો ત્યાગ કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હેરી અને મેગન પોતાનો સમય યુકે અને નોર્થ અમેરિકા-મુખ્યત્વે કેનેડામાં વીતાવશે. મેગન તેમના આઠ મહિનાનાં બાળક આર્ચી સાથે બે મહિનાથી વાનકુવરના દરિયાકિનારે ૧૦ મિલિયન પાઉન્ડની કિંમતના મેન્શનમાં જ રહે છે. હેરીએ પ્રિન્સ વિલિયમના બકિંગહામ પેલેસ રીસેપ્શનમાં હાજરી આપી ન હતી. જોકે, ડ્યૂક ઓફ સસેક્સે સવારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન તેમજ ગ્રીનિચ ખાતે યુકે-આફ્રિકા ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં આફ્રિકન દેશો માલાવી અને મોઝામ્બિકના પ્રમુખ અને મોરોક્કોના વડા પ્રધાન સાથે બેઠકોમાં હાજરી આપી હતી. તેમણે યુકેના સમય બપોરના એક વાગે કેનેડા જવા પ્રસ્થાન કર્યું હતું. અગાઉ, રવિવારે પ્રિન્સ હેરીએ પોતાની ચેરિટી સેન્ટેબેલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સાથે તેમની સમક્ષ રાજવી ભૂમિકા છોડવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.
બીજી તરફ, ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ અને ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ બકિંગહામ પેલેસમાં ૨૧ આફ્રિકન દેશના પ્રમુખો અને વડા પ્રધાનો માટે ભવ્ય રીસેપ્શનમાં મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સ હેરીએ તેમાં હાજરી આપી ન હતી. તેઓ રગ્બી ફૂટબોલના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા ન હતા. અગાઉ તેઓ વીકએન્ડમાં કેનેડા જશે તેવા અહેવાલ હતા પરંતુ, તેઓ અચાનક દેશ છોડી ગયા છે. હેરી શાહી પરિવારથી અલગ થવાના પ્રશ્નોની ગૂંચ ઉકેલવા જ યુકેમાં રહ્યા હતા. હાલ તેઓ વાનકુવર આઈલેન્ડ પર ભવ્ય મેન્શનમાં રહે છે પરંતુ, ટુંક સમયમાં તેમણે કેનેડામાં કયા સ્થળે રહેવું તેનો નિર્ણય લેવાનો થશે. જોકે, મેગન અગાઉ ટોરોન્ટોમાં રહી હોવાથી દંપતી ત્યાં જ ઠરીઠામ થાય તેવી શક્યતા વધુ છે.
પ્રિન્સ ચાર્લ્સ એક વર્ષ સુધી હેરી-મેગનને નવા જીવનમાં નાણાકીય સહાય કરશે
પ્રિન્સ હેરી અને મેગન નોર્થ અમેરિકામાં પોતાના નવા જીવનની સારી શરૂઆત કરી શકે તે માટે પ્રિન્સ ચાર્લ્સ અંગત રોકાણોની આવકોમાંથી તેમને એક વર્ષ સુધી નાણાકીય સહાય કરશે. આ સમયગાળામાં તેઓ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની નાણાકીય વ્યવસ્થા પર નજર રાખશે. બીજી તરફ, ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટમાંથી વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડ પણ મળે તેવી શક્યતા નકારાતી નથી. જોકે, મિત્રોએ શાહી યુગલને ચેતવણી આપી છે કે તેમને મળનારી રોકડનો સ્રોત અમાપ નથી. શાહી દંપતી પોતાના ખર્ચ માટે શાહી ઓળખનો ઉપયોગ કરી શકે તે માટે ક્વીન પણ સંમત થયા છે.
હેરી અને મેગન તેમને સોવરિન ગ્રાન્ટ તરીકે મળતી વાર્ષિક ૧૦૦,૦૦૦ પાઉન્ડની રકમ ગુમાવશે અને ફ્રોગમોર કોટેજની નવસજાવટ પાછળ ખર્ચાયેલા ૨.૪ મિલિયન પાઉન્ડ પણ પાછા આપવાના થશે ત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ પુત્ર અને પુત્રવધુને કેનેડામાં વૈભવી લાઈફસ્ટાઈલ સાથે સ્વતંત્ર નવું જીવન શરૂ કરવાના પ્રયાસમાં પોતાના અંગત ભંડોળમાંથી મદદ કરવા તૈયાર થયા છે. જોકે, રોકાણોમાંથી પ્રિન્સને મળતી આવક પણ મર્યાદિત છે જેની અસર પણ શાહી દંપતીને મળનારી સહાય પર પડી શકે છે તેવી ચેતવણી પણ તેમને આપી દેવાઈ છે. પ્રિન્સ ઓફ વેલ્સ આગામી એક વર્ષના ગાળામાં હેરી અને મેગનની નાણાકીય વ્યવસ્થા અથવા આવક અને જાવક પર પણ ચાંપતી નજર રાખશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિન્સ ચાર્લ્સે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના ફ્રોગમોર કોટેજમાં સુધારાવધારા કરાવવા માટે પણ સોવરિન ગ્રાન્ટ ઉપરાંત, અંગત નાણા ખર્ચ્યા હતા.
પ્રિન્સ ચાર્લ્સ માત્ર હેરીને નહિ, પ્રિન્સ વિલિયમ અને કેટને પણ ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટમાંથી વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડ જેટલી મદદ કરતા રહ્યા છે. સૂત્રો કહે છે કે હેરી અને વિલિયમના ખર્ચાઓથી પ્રિન્સ ચાર્લ્સના ભવાં તો ઊંચા થઈ જાય છે પરંતુ, આખરે ચૂકવણી કરવામાં પીછેહઠ કરતા નથી. તેઓ બાળકો સાથે સંઘર્ષનો માર્ગ અપનાવતા નથી. આમ છતાં, બાળકોને મદદ કરવામાં તેમનો ખજાનો ખાલી થતો જાય છે તે પણ હકીકત છે.