હમારે ઘર આઇ એક નન્હી પરી

Wednesday 06th May 2015 06:44 EDT
 
 

લંડનઃ શાહી પરિવારના સભ્યો સહિત સમગ્ર બ્રિટનના પ્રજાજનો જેના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના બીજા સંતાન - પ્રિન્સેસનો જન્મ શનિવાર સવારે ૮.૩૪ કલાકે થયો છે. શાહી પરિવારમાં ૬૫ વર્ષના લાંબા સમય પછી પ્રિન્સેસનો જન્મ થયો છે.
શાહી ગાદીના ચોથા ક્રમના વારસદાર પ્રિન્સેસના જન્મના બે દિવસ પછી તેનું નામકરણ પ્રિન્સેસ શાર્લોટ એલિઝાબેથ ડાયેના કરાયું હતું. નવજાત પ્રિન્સેસના નામમાં પ્રિન્સ વિલિયમનો પરિવારપ્રેમ છલકાય છે. પ્રિન્સેસ ઓફ કેમ્બ્રિજના સત્તાવાર નામમાં દાદા પ્રિન્સ ચાર્લ્સ, પરદાદી ક્વીન એલિઝાબેથ અને દાદી પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાના નામ આવરી લેવાયા છે. આ બાળકી હર રોયલ હાઈનેસ પ્રિન્સેસ શાર્લોટ ઓફ કેમ્બ્રિજ તરીકે ઓળખાશે. પ્રિન્સેસના નામની જાહેરાત થતાં જ હાઈડ પાર્ક ખાતે ૪૧ તોપ અને ટાવર ઓફ લંડન ખાતે એક સાથે ૬૨ તોપની સલામીથી લંડન ધણધણી ઉઠ્યું હતું. અશ્વસવાર સૈનિકોની સવારી પણ બધે ફરી હતી.
નાની બાળકીના નામ શાર્લોટનું મૂળ ફ્રેન્ચ ભાષાનું છે, જે પ્રિન્સ ચાર્લ્સના નામનું સ્ત્રીલિંગ થાય છે. શાર્લોટ એ કેટની બહેન પિપા મિડલટનનું મધ્ય નામ પણ છે. પ્રિન્સ વિલિયમ પોતાના પિતા ચાર્લ્સ અને તેમના ચેરિટેબલ કાર્યો પ્રત્યે ભારે આદર ધરાવે છે. શાહી ઈતિહાસ જોઈએ તો, જ્યોર્જ ચોથાએ એક માત્ર સંતાનને શાર્લોટ નામ આપ્યું હતું. જ્યોર્જ ત્રીજાની પત્નીનું નામ પણ ક્વીન શાર્લોટ હતું, જેમનો જન્મ ૧૭૪૪માં થયો હતો. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે પુત્રીનું મધ્ય નામ એલિઝાબેથ રાખ્યું છે તે પરદાદી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રત્યેનું સન્માન દર્શાવે છે. કેટનું મધ્ય નામ પણ એલિઝાબેથ છે. એમ કહેવાય છે કે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે પુત્રીના જન્મ પછી તરત જ તેનાં નામનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ તેની સત્તાવાર જાહેરાત થાય તે અગાઉ તેઓ ક્વીન એલિઝાબેથને જાતે જ જાણ કરવા માગતા હતા. પરિવારમાં નવજાત બાળકના નામ વિશે ક્વીન સાથે પરામર્શ કરવાની કોઈ પ્રથા નથી.
પ્રિન્સેસ શાર્લોટની ક્વીન અને ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ સાથે મુલાકાત કરાવાઈ હતી. મોટા ભાઈ પ્રિન્સ જ્યોર્જે પણ નાની બહેનને રમાડી હતી. પ્રિન્સ ઓફ વેલ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, મિડલટન દંપતી અને પિપા મિડલટને પણ પ્રિન્સેસને નિહાળવા મુલાકાત લીધી હતી. ડ્યૂક વિલિયમના ૩૦ વર્ષીય ભાઈ પ્રિન્સ હેરી ઓસ્ટ્રેલિયા ડિફેન્સ ફોર્સમાં કામગીરી માટે એક મહિના માટે ઓસ્ટ્રેલિયા છે. પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે નવજાત ભત્રીજીને નિહાળવાની તેને ઘણી જ તાલાવેલી છે.
પરિવારમાં હર્ષોલ્લાસ
બકિંગહામ પેલેસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલાં નિવેદન મુજબ, રોયલ બેબી તદ્દન સ્વસ્થ છે અને તેનું વજન આઠ પાઉન્ડ (આશરે ત્રણ કિલો) છે. જે હોસ્પિટલમાં શાહી બેબીનો જન્મ થયો હતો તેની બહાર અનેક બ્રિટનવાસીઓ છેલ્લા ઘણા દિવસથી તંબુ તાણીને બેસી રહ્યા હતા અને ખુશીના સમાચાર જાહેર થતાં જ તહેવારનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે કેટ મિડલ્ટનની કુખે પુત્રનો જન્મ થશે કે પુત્રીનો તે અંગે બ્રિટન સહિત વિશ્વમાં મોટા પાયે સટ્ટો ખેલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેટ મિડલ્ટન અને પ્રિન્સ વિલિયમનું આ બીજું સંતાન છે. જુલાઈ, ૨૦૧૩ના રોજ પ્રિન્સ જ્યોર્જનો જન્મ થયો હતો.
પ્રિન્સ ચાર્લ્સની ઇચ્છા પૂર્ણ થઈ
બ્રિટનના ગાદીપતિ પ્રિન્સ ચાર્લ્સ દાદા બની ગયા છે. આ સમાચાર સાંભળીને તેઓ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. તેમણે આ અગાઉ પુત્રીની અપેક્ષા સેવી હતી, જે પૂર્ણ થતાં જ સમગ્ર રોયલ ફેમિલી ખુશાલીનો માહોલ છવાઇ ગયો હતો.
પ્રિન્સ જ્યોર્જે દિલ જીત્યું
૨૧ મહિનાનો પ્રિન્સ જ્યોર્જ પિતાની આંગળી પકડી નાનકડી બહેનને જોવા શનિવારે હોસ્પિટલ પહોંચ્યો હતો. શાહી ગાદીના ત્રીજા વારસદારની સ્ટાઈલ નિહાળીને લોકો ખુશ થઈ ગયા હતા. બ્લુ વસ્ત્રોમાં સજ્જ જ્યોર્જે પિતાના કહેવાથી નાનકડા હાથ હલાવીને રાજવી સ્ટાઈલમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકો ૩૦ વર્ષ પહેલાના પ્રિન્સ વિલિયમ સાથે પ્રિન્સ જ્યોર્જની સામ્યતાની વાતો કરતા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી પ્રિન્સ જ્યોર્જે પહેલી વખત જાહેરમાં દેખા દીધી હતી.
નામ પર સટ્ટો ખેલાયો
પ્રિન્સ જ્યોર્જ પછી બીજું સંતાન પુત્ર કે પુત્રી હશે અને તેનું નામ શું હશે તેના વિશે અટકળો સાથે ભારે સટ્ટો ખેલાયો હતો. સટ્ટાઉદ્યોગે શાર્લોટ નામ પર બેટિંગ લગાવનારાઓને એક મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચૂકવી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, એલિસ, ડાયેના, એલેકઝાન્ડ્રા, વિક્ટોરિયા અને એલિઝાબેથ નામો પણ ભારે ચર્ચામાં હતાં. ડચેસની સગર્ભાવસ્થાની જાહેરાત થઈ ત્યારથી જ શાહી સંતાનના નામ વિશે સટ્ટો શરૂ થઇ ગયો હતો. લેડબ્રોક્સે ભારે નાણા ગુમાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter