લંડનઃ યુકે સ્થિત ભારતના વોન્ટેડ ગેંગસ્ટર કપિલ સાંગવાને હરિયાણાના ઇન્ડિયન નેશનલ લોકદળના હરિયાણા એકમના પ્રમુખ નાફેસિંહ રાઠીની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ સીબીઆઇની ચાર્જશિટમાં મૂકાયો હતો. નાફેસિંહની હત્યા કરનારા ચાર શૂટર્સ આશિષ, સચિન, ધર્મેન્દ્ર રાણા અને અમિત ગુલિયા સામે સીબીઆઇ કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશિટમાં આ ઉલ્લેખ કરાયો હતો.
જોકે સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે, નાફેસિંહની હત્યા પાછળનો ઇરાદો શું હતો તે હજુ જાણવા મળ્યું નથી અને તે કોન્ટ્રાક્ટ કિલિંગના એન્ગલની તપાસ કરીને તેની પાછળ રહેલા કાવતરાનો પર્દાફાશ કરશે.
25 ફેબ્રુઆરી 2024ના રોજ હરિયાણાના ઝજ્જરના બહાદૂરગઢ ખાતેના બરાહી લેવલ ક્રોસિંગ ખાતે ચારે શૂટર્સે રાઠીની કાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સીબીઆઇએ ચાર્જશિટમાં જણાવ્યું હતું કે, કપિલ સાંગવાન જીપીએસ ડિવાઇસની મદદથી રાઠીની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યો હતો અને તેના દ્વારા શૂટર્સને બહાદૂરગઢ પહોંચવા આદેશ આપ્યો હતો.