લંડનઃ દિલ્હી હાઇકોર્ટે યુકેમાં હર્ષિતા બ્રેલાની હત્યાના કેસમાં યુકેની તપાસ એજન્સીઓ અને અરજકર્તા વચ્ચે સમન્વય સાધવા ભારતના વિદેશ મંત્રાલયને એક નોડલ ઓફિસરની નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ અધિકારી અરજકર્તા અને યુકેની તપાસ એજન્સીઓ વચ્ચે સમન્વય સાધશે અને હર્ષિતા બ્રેલાની હત્યા કેસ અંગેની માહિતીની સરળ આપ લે સુનિશ્ચિત કરશે.
હર્ષિતા બ્રેલાની બહેન દ્વારા દાખલ કરાયેલી અપીલ પર સુનાવણી કરતા દિલ્હી હાઇકોર્ટે આ આદેશ જારી કર્યો હતો. હર્ષિતા બ્રેલાના લગ્ન પંકજ લામ્બા સાથે થયા હતા અને તે તેની સાથે યુકેમાં વસવાટ કરતી હતી. તેમના લગ્નજીવનમાં ખટરાગ સર્જાતાં હર્ષિતાએ યુકેની કાયદા એજન્સીઓની મદદ માગી હતી જેના પગલે પંકજ લામ્બા સામે ઘરેલુ હિંસાની તપાસ શરૂ કરાઇ હતી.
14 નવેમ્બર 2024ના રોજ લંડનના નોર્ધમ્પટનશાયરમાં એક કારમાંથી હર્ષિતાની લાશ મળી આવી હતી. હાલ યુકે, ભારતની પોલીસ અને ઇન્ટરપોલ ફરાર થઇ ગયેલા પંકજ લામ્બાની શોધ ચલાવી રહ્યાં છે. તાજેતરના આદેશમાં દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સચિન દત્તાએ વિદેશ મંત્રાલયને આ કેસમાં સંકલન માટે નોડલ અધિકારીની નિયુક્તિ કરવા જણાવ્યું છે. તેમણે યુકેમાં ચાલી રહેલી તપાસની માહિતી પણ અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.