લંડનઃ એક અખબારી તપાસમાં દાવો કરાયો છે કે પોસ્ટ ઓફિસની બીજી ખામીયુક્ત આઇટી સિસ્ટમ કેપ્ચરના ઉપયોગ સાથે સંબંધિત એકાઉન્ટિંગના મામલાઓમાં સેંકડો પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવાયા હોવાની સંભાવના છે. તપાસમાં પહેલીવાર એવો દાવો કરાયો છે કે હોરાઇઝન પ્રોગ્રામ પહેલાં અમલી એવા પોસ્ટઓફિસ સોફ્ટવેરમાં પણ ન્યાયની ગંભીર કસુવાવડ થઇ હતી.
સબ પોસ્ટમાસ્ટરોનો દાવો છે કે 1990ના દાયકાના મધ્યભાગમાં પોસ્ટ ઓફિસમાં અમલી બનાવાયેલ કેપ્ચર સોફ્ટવેરમાં રહેલી ખામીઓના કારણે તેમને બરતરફ કરાયાં હતાં, નાણા પરત કરવાની ફરજ પડાઇ હતી અને તેમની સામે અપરાધિક કેસ પણ ચલાવાયાં હતાં.
અગાઉની સુનાક સરકાર દ્વારા 2024ની પ્રારંભે કેપ્ચર સોફ્ટવેરની સ્વતંત્ર તપાસનો આદેશ અપાયો હતો. તપાસના રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેપ્ચર આઇટી સિસ્ટમમાં પણ હિસાબમાં ગરબડ થતી હોય તેવું માનવાના કારણો છે. હોરાઇઝન સોફ્ટવેર પહેલાં 1992થી 1999 વચ્ચે પોસ્ટ ઓફિસમાં કેપ્ચર સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો.
પોસ્ટઓફિસ મિનિસ્ટર ગેરેથ થોમસે જણાવ્યું હતું કે, કેપ્ચર આઇટી સિસ્ટમમાં પણ ખામી હોવાનું જાણીને હું ચોંકી ગયો છું. હું કેટલાક પોસ્ટ માસ્ટરોને મળ્યો છું જેમણે સામે આવીને તેમના પરિવાર અને જીવનો પરની અસરો જાહેર કરી છે.
અગાઉ એમ માનવામાં આવતું હતું કે ઓછામાં ઓછા 40 સબ પોસ્ટમાસ્ટર અને તેમના પરિવારો દ્વારા કેપ્ચર સોફ્ટવેરના કારણે ભોગવવું પડ્યું હોવાના દાવા કરાયાં હતાં.
માહિતીની સ્વતંત્રતા અંતર્ગત હાંસલ કરાયેલા આંકડા અનુસાર કેપ્ચર સોફ્ટવેર અમલી બનાવાયા બાદ પોસ્ટ ઓફિસ દ્વારા દાખલ કરાયેલા કેસની સંખ્યા 1992માં 2 હતી જ્યારે 1998માં વધીને 93 પર પહોંચી હતી. 1999માં હોરાઇઝન સોફ્ટવેર દાખલ કરાયું હતું તે વર્ષમાં 114 કેસ દાખલ કરાયાં હતાં અને તેમાંથી 107 સબ પોસ્ટમાસ્ટરને દોષી જાહેર કરાયાં હતાં. આ તમામ ચુકાદા હવે રદ કરી દેવાયાં છે પરંતુ કેપ્ચરના મામલામાં દોષી ઠેરવાયેલાના ચુકાદા હજુ યથાવત છે.
કેપ્ચર મામલામાં કેસ ચલાવાયા હતા તે સબ પોસ્ટમાસ્ટરોની દલીલ છે કે તેમની સામે પણ હોરાઇઝનના પીડિતો જેવા જ આરોપ મૂકાયા હતા તેથી તેમના ચુકાદા પણ રદ કરી દેવા જોઇએ.