ચાંગા: વિશ્વવિખ્યાત ચારુસેટ કેમ્પસના બે મેગા પ્રોજેકટ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) અને વર્લ્ડ ક્લાસ મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલ વિશે યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાને માહિતગાર કરવાના હેતુથી એપ્રિલ 2019માં યુકેમાં ચારુસેટ એજયુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)ની સ્થાપના કરાઇ છે. ચેરિટિ કમિશ્નર-યુકેનું રજીસ્ટ્રેશન મેળવનાર CEHT-UKની ચેરિટી અને વેબસાઇટનું સોફ્ટ લોન્ચિંગ કરાયું હતું, હવે 16મીએ તેની કામગીરીનો આરંભ થઇ રહ્યો છે.
સમાજના દરેક વર્ગને શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવાના ઉમદા હેતુથી CEHT-UKની સ્થાપના કરાઇ છે. સંસ્થાની સ્થાપનાનો હેતુ યુકેમાં વસતા ભારતીય સમુદાયને CEHT અને ચારુસેટ સંલગ્ન સંસ્થાઓના જોડાણ, ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ઓફર કરાતાં વિવિધ શૈક્ષણિક કાર્યકમો તેમજ ચારુસેટ હોસ્પિટલ દ્વારા સમાજને વાજબી દરે અપાતી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
હાલમાં CEHT-UKના ડિરેક્ટર તરીકે બ્રિટનના વિવિઘ ક્ષેત્રના અગ્રણીઓ કાર્યરત છે. જેમાં સર્વશ્રી વિખ્યાત હોટેલિયર અને દાતા કિરીટભાઇ રામભાઇ પટેલ, બ્રિટિશ મેડિકલ કાઉન્સિલ સાથે વિજ્ઞાની તરીકે સંકળાયેલા અને ક્વીન એલિઝાબેથ દ્વારા સિલ્વર જયુબિલી મેડલથી સન્માનિત અંબરીશભાઈ જે. પટેલ, ઉદ્યોગસાહસિક-ફાર્મસીસ્ટ તરીકે જાણીતા અને પ્રાઇમ હેલ્થ ગ્રૂપના સીઇઓ કમલેશભાઇ જી. પટેલ જ્યારે સેક્રેટરી તરીકે ઈન્દ્રવદન એ. પટેલ ફરજ બજાવે છે. ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી અને પ્રિન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ કેરિયર ધરાવતા ઈન્દ્રવદન પટેલ હવે સામાજિક-ચેરિટેબલ પ્રવૃતિઓમાં વ્યસ્ત છે.
CEHTના તમામ સભ્યો ટ્રસ્ટની વિવિધ પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. આ ટ્રસ્ટનું હવે વિસ્તરણ કરાશે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટને શ્રી કિરીટભાઇ એન. પટેલ (ચાંગા/યુકે)નાં બહેન ઇન્દીરાબહેન (યુકે) દ્વારા 50 હજાર પાઉન્ડનું દાન અપાયું છે.
આગામી 16 જુલાઇએ ચારુસેટ એજયુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ-યુકે (CEHT-UK)નું યુકેમાં લોન્ચિંગ કરાશે. આ સાથે જ લંડનમાં વસતા ગુજરાતીઓ-ભારતીયો માટે CEHT-UKના માધ્યમથી ચારુસેટ સંલગ્ન સંસ્થાઓને આર્થિક સહકાર આપી-અપાવીને નિયમાનુસાર કરવેરામાં રાહત મેળવવાનું સરળ બનશે.
CEHT-UKના લોન્ચિંગ અને આ પ્રસંગે યોજાનારા ફંડ રેઇઝિંગ ઇવેન્ટમાં ચારુસેટનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન હાજરી આપશે. જેમાં માતૃસંસ્થા - ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી સર્વશ્રી નગીનભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારુસેટ હોસ્પિટલના સીઓઓ ડો. ઉમાબેન પટેલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલનો પ્રચાર-પ્રસાર કરવા માટે આઠ વર્ષ અગાઉ ચારુસેટ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ઇન્ક.ની સ્થાપના કરાઇ છે જેનું સંચાલન વિરેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે.