લંડનઃ એડિનબરા ઈસ્ટના સ્કોટિશ નેશનલ પાર્ટીના સાંસદ ટોમી શેફર્ડે હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્કોટલેન્ડના ઉમરાવો દેશની જરૂરિયાતોનું રજૂઆતો કરવામાં દરેક સ્તરે તદ્દન નિષ્ફળ ગયા હોવાનું જણાવતા ‘ધેર સ્કોટિશ લોર્ડશિપ્સ’ નામના રિપોર્ટમાં યુકે પાર્લામેન્ટની બીજી ચેમ્બર હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરવાની હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે ઉમરાવો સરકારી નીતિઓની ચકાસણી કરે છે પરંતુ, તેમનું સભ્યપદ લોકો દ્વારા ચૂંટણી થકી પસંદ કરાતું નથી. આ રિપોર્ટમાં ૭૮ સભ્યને સ્કોટલેન્ડના લોર્ડ્સ તરીકે ઓળખાવાયા છે જેમણે સમગ્ર સક્રિય જીવન સ્કોટલેન્ડમાં વીતાવ્યું છે અથવા જેમને સ્કોટિશ ટાઈટલ્સ અપાયા છે.
સાંસદ ટોમી શેફર્ડે રિપોર્ટમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ સ્કોટલેન્ડની બહુમતીનું પ્રતિનિધિત્વ કરતી નથી કારણકે મોટા ભાગના સ્કોટિશ લોર્ડ્સ 65 વર્ષથી વધુ વયના અને ખાનગી શિક્ષણ મેળવેલા પુરુષ છે. આ લોર્ડ્સ સ્કોટિશ સ્વતંત્રતા વિરોધી પણ છે. રિપોર્ટ મુજબ માત્ર 22 ટકા ઉમરાવ સ્ત્રી છે અને માત્ર 45થી ઓછી વયના પૂર્વ સ્કોટિશ ટોરી લીડર બેરોનેસ રુથ ડેવિડસનને બાદ કરતા 68 ટકા લોર્ડ્સ 65 વર્ષ અને તેથી વધુ વયના છે.
વેસ્ટમિન્સ્ટરમાં 59 સંસદીય બેઠકોમાં 81 ટકા સ્કોટિશ નેશનલ પાર્ટી પાસે હોવાં છતાં, પાર્ટીના કોઈ લોર્ડ્સ ન હોવાથી હાઉસમાં પ્રતિનિધિત્વ અપૂરતું છે. વેસ્ટમિન્સ્ટરમાં સંસદીય બેઠકોને ધ્યાનમાં લેતાં સ્કોટલેન્ડના લોર્ડ્સમાં કન્ઝર્વેટિવ્ઝનું પ્રમાણ 31 ટકા, લિબરલ ડેમોક્રેટ્સનું 10 ટકા અને લેબર પાર્ટીનુ પ્રમાણ 32 ટકા છે.