હાઉસિંગ કટોકટીની ભારતીય વિદ્યાર્થીઓ પર ગંભીર અસરઃ સરવે

26 ટકા વિદ્યાર્થી પૂરું મકાનભાડું ચૂકવી શક્તાં નથી, 40 ટકાને મકાન માટે ગેરેંટર ઉપલબ્ધ થતાં નથી, 84 ટકાને મકાનમાં અસુવિધાઓ વેઠવી પડે છે, 32 ટકાને એકલવાયાપણાનો સામનો કરવો પડે છે

- સુભાષિની નાઇકર Tuesday 19th November 2024 09:42 EST
 
 

નેશનલ યુનિયન ઓફ સ્ટડન્ટ્સ યુકે દ્વારા કરાયેલા સરવેમાં દેશમાં પ્રવર્તી રહેલી હાઉસિંગ કટોકટીની વિદ્યાર્થીઓ પર થઇ રહેલી ગંભીર અસરો અંગેના ચોંકાવનારા તારણો આપવામાં આવ્યાં છે. ભારતથી યુકેમાં અભ્યાસ કરવા આવેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ આ હાઉસિંગ કટોકટીનો ભોગ બની રહ્યાં છે.

સરવેના તારણો અનુસાર 26 ટકા વિદ્યાર્થી પૂરેપુરુ મકાન ભાડુ ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. 60 ટકા વિદ્યાર્થીને મકાન ભાડે મેળવવા માટે ગેરેંટરની જરૂર પડે છે જેમાંથી 40 ટકાને ગેરેંટર પ્રાપ્ત થતાં નથી. 84 ટકા વિદ્યાર્થીને ભાડાના મકાનમાં અસુવિધાઓનો સામનો કરવો પડે છે. 33 ટકા વિદ્યાર્થી મકાનના ભાડા ચૂકવવામાં સંઘર્ષ કરી રહ્યાં છે જ્યારે 17 ટકા વિદ્યાર્થીને ફૂટ બેન્ક પર નભવું પડે છે.

વિદ્યાર્થી એક્ટિવિસ્ટો મકાન ભાડે લેવા માટે મકાન માલિક સમક્ષ રજૂ કરવો પડતો ગેરેંટર યુકેનો જ હોવો જોઇએ તેવી જોગવાઇને ગેરકાયદેસર જાહેર કરવાની માગ કરી રહ્યાં છે. ઓછી આવક ધરાવતા અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ગેરેંટર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 32 ટકા વિદ્યાર્થી કહે છે કે અમે કોમ્યુનિટીનો હિસ્સો છીએ તેવી અનુભૂતિ જ થતી નથી. હાલની સ્ટુડન્ટ હાઉસિંગ સિસ્ટમના કારણે અમે એકલવાયા બની જઇએ છીએ.

ગયા મહિને 50 સ્ટુડન્ટ યુનિયનોના પ્રતિનિધિઓએ વેસ્ટમિન્સ્ટર પહોંચીને સાંસદો સમક્ષ વિદ્યાર્થીઓની હાઉસિંગ અંગેની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.

સરકાર હાઉસિંગ સિસ્ટમની સમસ્યાઓ દૂર કરેઃ અમિરા કેમ્પબેલસ, એનયુએસ પ્રમુખ

નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના પ્રમુખ અમિરા કેમ્પબેલે જણાવ્યું હતું કે, હાઉસિંગ સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓ અને એપ્રેન્ટિસનું વ્યાપક શોષણ થઇ રહ્યું છે. યુકે સ્થિત ગેરેંટરની જોગવાઇ જેવી નીતિઓથી સમાજે શરમ અનુભવવી જોઇએ. અન્યાયી હાઉસિંગ સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓ મર્યાદિત રીતે જ કોમ્યુનિટીનો હિસ્સો બની શકે છે. સરકારે હાઉસિંગ સિસ્ટમની સમસ્યાઓ દૂર કરીને વિદ્યાર્થીઓની મદદ કરવી જોઇએ.

સ્કોટિશ સરકાર હાઉસિંગ સિસ્ટમ દુરસ્ત કરેઃ સાઇ શ્રદ્ધા, પ્રમુખ એનયુએસ સ્કોટલેન્ડ

એનયુએસ સ્કોટલેન્ડના પ્રમુખ સાઇ શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, અમે સ્કોટલેન્ડની સંસદ સામે દેખાવો કરીને હાઉસિંગ બિલમાં રહેલા છીંડા દૂર કરવાની માગ કરી છે. અમને આશા છે કે રાજકીય નેતાઓ વિદ્યાર્થીઓની હાડમારી સમજશે. જો સ્કોટિશ સરકાર ખરેખર વિદ્યાર્થીઓનું ભલુ ઇચ્છે છે તો તેણે અમારી માગણીઓ સાંભળીને હાઇસિંગ સિસ્ટમ દુરસ્ત કરવી જોઇએ.

યુનિવર્સિટીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને આર્થિક સહાય કરેઃ સરન્યા થમ્બીરાજા, ઉપપ્રમુખ એનયુએસ

એનયુએસના વાઇસ પ્રેસિડેન્ટ સરન્યા થમ્બીરાજાએ જણાવ્યું હતું કે, સરકાર અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટેની હાઉસિંગ સિસ્ટમ સુધારવા ઘણું કરી શકે તેમ છે. યુનિવર્સિટીઓ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને વ્યાજબી ભાડાના મકાનોનો વિકલ્પ આપી શકે છે. યુનિવર્સિટીઓએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને હાર્ડશિપ ફંડમાંથી આર્થિક મદદ કરવી જોઇએ અને કેમ્પસ હાઉસિંગમાં વધારો કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter