લંડનઃ પાકિસ્તાનસ્થિત આતંકી જૂથ જમાત ઉદ્દ-દાવા અને લશ્કરે તોઈબાના વડા અને મુંબઈ ૨૦૦૮ના હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદે ૧૯૯૦ના સમયગાળામાં બ્રિટનનો પ્રવાસ કરીને મુસ્લિમોને જિહાદ માટે ઉશ્કેર્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. બીબીસીની તપાસમાં જણાયું હતું કે, વિશ્વના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી સઈદે ૧૯૯૫માં બ્રિટનનો પ્રવાસ કરીને મસ્જિદોની મુલાકાત લીધી હતી. તેના પ્રવાસની વિગતો તોઈબાના મુખપત્રમાં પણ પ્રસિદ્ધ થઈ હતી.
સાઇસેસ્ટરમાં યોજાયેલી કોન્ફરન્સમાં હાફિઝને સાંભળવા ૪૦૦૦ યુવાનો એકઠા થયા હોવાનું બીબીસી રેડિયો ફોર ડોક્યુમેન્ટરી ‘ધ ડોન ઓફ બ્રિટિશ જિહાદ’માં જણાવાયું છે. બીબીસીના પ્રોગ્રામર સાજિદ ઇકબાલે જણાવ્યું હતું કે, હાફિઝે સતત જિહાદની જ વાતો કરીને બ્રિટનના મુસ્લિમોને ઉશ્કેર્યા હતા. ગ્લાસગોની સેન્ટ્રલ મસ્જિદમાં હાફિઝે મોટી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમોના પવિત્ર યુદ્ધ જિદાહને તોડી નાખવા ઝિયોનિસ્ટ અબજો ડોલર વાપરે છે? તેઓ મુસ્લિમોને લોકશાહીના રાજકારણમાં લઈ જવા માગે છે અને મુસ્લિમો હંમેશા દેવાદાર રહે તેવી આર્થિક નીતિ ઘડે છે.
પ્રવાસ દરમિયાન હાફિઝે બર્મિંગહામમાં હિન્દુવિરોધી ભાષણ કરીને શ્રોતાઓને જિહાદનું આહવાન કર્યું હતું. ડોક્યુમેન્ટરીના પ્રોડયુસરે ગ્લાસગોની મસ્જિદે હાફિઝ માટે દરવાજા ખોલ્યા તે વાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ૧૯૯૫માં હાફિઝ આતંકી તરીકે પ્રખ્યાત હતો.