લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સંસદની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શક્તિ પ્રાપ્ત કરવા માટે હું મારી હિન્દુ આસ્થાનો સહારો લઇ રહ્યો છું. હું માર્ગદર્શન મેળવવા માટે ધર્મની સમજનો ઉપયોગ કરી રહ્યો છું. ભારતીય ધર્મોમાં ધર્મ (ફરજ) મહત્વનો શબ્દ છે. હિન્દુ આસ્થામાં ધર્મનો અર્થ ફરજ, નૈતિકતા થાય છે અને તે બ્રહ્માંડ અને સમાજને ધરી રાખતી શક્તિનો ઉલ્લેખ કરે છે.
ચૂંટણીના ધૂંઆધાર પ્રચારમાં વ્યસ્ત એવા સુનાકે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કર્મને ધર્મ ગણવામાં આવે છે. તેનો અર્થ એ કે તમે તમારું કર્મ પરિણામની ચિંતા કર્યા વિના કર્યે જાવ. તમે તેમ કરો છો કારણ કે તેમ કરવું યોગ્ય છે. તમારે પરિણામની ચિંતા કરવી છોડી દેવી જોઇએ.
સુનાકે જણાવ્યું હતું કે, દેશની સેવા કરવી એ મારી ફરજ (ધર્મ) છે. મારો ઉછેર હિન્દુ મૂલ્યો સાથે થયો છે અને તે મને પડકારો સામે લડવાની શક્તિ આપે છે. જે સાચું છે તે હું કરી રહ્યો છું તેનાથી મને સંતોષ મળે છે.
જનતા પોતાના કામનો યોગ્ય બદલો આપી રહી નથી તેથી પોતે હતાશ છે તેવા આરોપ નકારી કાઢતા સુનાકે જણાવ્યું હતું કે, હું જે કાંઇ કરી રહ્યો છું તે માટે બીજું કોઇ નહીં પરંતુ હું પોતે જ જવાબદાર છું. તમામ જવાબદારી મારા માથે છે. આપણે કપરા સમયમાંથી પસાર થયાં છીએ. કોરોના મહમારી આવી અને ત્યારબાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયું તેમાં કોઇનો વાંક નથી. તેના કારણે છેલ્લા કેટલાક વર્ષમાં આપણા જીવન ધોરણો પર વિપરિત અસરો થઇ છે. પરંતુ મારું માનવું છે કે આકરા પરિશ્રમ અને દરેકની ધીરજના કારણે આપણે વિપરિત સ્થિતિમાંથી બહાર આવી શક્યાં છીએ. આપણી ઇકોનોમી ઝડપથી પ્રગતિ કરી રહી છે. ફુગાવાનો દર સામાન્ય સ્તર પર આવી ગયો છે. પગારો વધી રહ્યાં છે. વીજળીના બિલ ઘટી રહ્યાં છે. હું ભવિષ્ય માટે ઘણો આશાવાદી છુ.