લંડનઃ હિન્દુ ધર્મની રક્ષા માટે બલિદાન આપનારા નાયકોનું સન્માન કરવા બ્રિટિશ હિન્દુઓના સંગઠન દ્વારા હિન્દુ મેમોરિયલ દિવસની ઉજવણી કરાઇ હતી. સંગઠન દ્વારા સમગ્ર હિન્દુ સમુદાય દ્વારા આ દિવસની ઉજવણી કરાય તે માટે પિતૃપક્ષ અથવા તો શ્રાદ્ધના છેલ્લા શનિવાર કે રવિવારે ઉજવણી કરવા નક્કી કરાયું છે.
સંગઠને જણાવ્યું હતું કે, આખું વર્ષ હિન્દુ સમુદાય દ્વારા ઘણા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જ્યારે હિન્દુ ધર્મની રક્ષા માટે આહૂતિ આપનારા નાયકોને ભાગ્યે જ યાદ કરાતાં હોય છે. હિન્દુ સમુદાયો તેમના ઉદ્દભવના દેશોના સ્વતંત્રતા દિવસો પણ ઉજવતા હોય છે. સંગઠનો મૂળ હેતૂ તમામ સંપ્રદાયના હિન્દુઓને એક મંચ પર એકઠાં કરવાનો છે.
હિન્દુ નાયકોની વીરગાથાઓ, માનવતાની સેવાને યાદ કરીને સંગઠન એવી આશા રાખે છે કે હિન્દુઓ બ્રિટિશ સમાજમાં સકારાત્મક યોગદાન આપવાનું જારી રાખે. આ ઉજવણીને ડાયસ્પોરા જૂથ ઇનસાઇટ યુકે દ્વારા પણ સમર્થન અપાયું છે. સંગઠનને આશા છે કે આ રીતે બ્રિટિશ હિન્દુઓની ભાવિ પેઢી હિન્દુ ઇતિહાસને શીખી શકશે.