બ્રાઇટનઃ પોતાના ઘર નજીકના બીચ પર હિન્દુ પૂજા અને સંસ્કૃતના મંત્રોચ્ચારના કારણે હેરાનગતિ થતી હોવાના પોડાશીના આરોપોમાંથી ભારતીય મૂળની મહિલા અને તેના પતિને કોર્ટ દ્વારા મુક્તિ અપાઇ છે. આંધ્રપ્રદેશના પરિવારમાં જન્મેલ બ્રિટિશ તેલુગુ ડિઝાઇનર શીલા જેકલીન બ્રાઇટન નજીકના નોર્મન્સ બે ખાતેના પોતાના મકાન નજીકના બીચ પર સંસ્કૃતમાં મંત્રોચ્ચાર અને મુદ્રાઓ કરતાં હોવાના કારણે હેરાનગતિ થતી હોવાની ફરિયાદો પાડોશી દ્વારા કરાઇ હતી. શીલા જેકલિનના પતિ નાઇજલ જેકલીન પર પણ હુમલા અને હેરાનગતિના આરોપ મૂકાયા હતા.
બ્રાઇટનની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા સુનાવણી મોકુફ રાખવાની અપીલ કરાઇ હતી પરંતુ મેજિસ્ટ્રેટે નકારી કાઢી હતી. પ્રોસિક્યુશન દંપતી વિરુદ્ધ કોઇ પુરાવા રજૂ ન કરી શક્તાં દંપતીને આરોપમુક્ત કરાયું હતું.