લંડનઃ યુકે હોમ ઓફિસના એક લીક થયેલા રિપોર્ટમાં હિન્દુ રાષ્ટ્રવાદ અને ખાલિસ્તાની ઉગ્રવાદને બ્રિટનમાં કટ્ટરવાદની નવી ધમકી ગણાવવામાં આવ્યાં છે. થિન્ક ટેન્ક પોલિસી એક્સચેન્જ પાસે ઉપલબ્ધ દસ્તાવેજામાં જણાવવામાં આવ્યું છે કે યુકેએ નવ નવા પ્રકારના કટ્ટરવાદનો સામનો કરવો પડશે. જેમાં ઇસ્લામિક ઉગ્રવાદ, મહિલા વિરોધી કટ્ટર વિચારધારા, ખાલિસ્તાની ઉગ્રવાદ, હિન્દુ રાષ્ટ્રવાદ, પર્યાવરણીય ઉગ્રવાદ. ડાબેરી વિચારધારાના ઉગ્રવાદ, ફાસીવાદ અને અન્ય કોન્સ્પિરસી થિયરીઓનો સમાવેશ થાય છે.
ગયા ઉનાળામાં યુકેમાં ફાટી નીકળેલા ફાર રાઇટ રમખાણોને પગલે કટ્ટરવાદ પર સરકારની નીતિ તૈયાર કરવા હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે શરૂ કરાવેલી સમીક્ષામાંથી આ દસ્તાવેજ બહાર આવ્યો છે.
પોલિસી એક્સચેન્જના એન્ડ્રુ જિલિયન અ ડો. પોલ સ્ટોટે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે લીક થયેલા દસ્તાવેજમાં ભારતીય ઉપખંડમાંથી ઉભરી રહેલા બે પ્રકારના ઉગ્રવાદનો ઉલ્લેખ કરાયો છે જેમાં ખાલિસ્તાની ઉગ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ફાટી નીકળેલી હિંસા બાદ હિન્દુ રાષ્ટ્રવાદી ઉગ્રવાદ પર નજર રાખવાનો સરકારનો નિર્ણય યોગ્ય હતો. પ્રિવેન્ટની સ્વતંત્ર સમીક્ષામાં હિન્દુ રાષ્ટ્રવાદનો ઉલ્લેખ ન કરવો એ એક ભૂલ હતી.
હોમ ઓફિસ અંતર્ગત કામ કરતી સ્પ્રિન્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ તણાવ વધારવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેમણે સ્થાનિક સમુદાયોમાં નફરત ભડકાવવાનું કામ કર્યું હતું.