લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ બિલિયોનેર હિન્દુજાબંધુઓનો ૨૦૧૯ના બ્રિટિશ રિચ લિસ્ટમાં દબદબો યથાવત રહ્યો છે. ટાઈમ્સ વાર્ષિક રિચ લિસ્ટમાં શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા ૨૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે બ્રિટનના સૌથી ધનવાન છે. હિન્દુજા ભાઈઓ ૨૦૧૪ અને ૨૦૧૭ના રિચ લિસ્ટમાં પણ પ્રથમ ક્રમે રહ્યા હતા. તેમના પછી મુંબઈમાં જન્મેલા રુબેન બ્રધર્સ ૧૮.૬૬ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. દરમિયાન ગત યાદીમાં પ્રથમ સ્થાને રહેલા કેમિકલ્સ કંપનીઓના સ્થાપક સર જિમ રેટક્લિફ આ વર્ષે ૧૮.૧૫ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે સરકી ગયા છે. ઈન્વેસ્ટમેન્ટ, મ્યુઝિક અને મીડિયા થકી નામનાપ્રાપ્ત સર લેન બ્લાવાટનિક ૧૪.૪ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રિચ લિસ્ટમાં ચોથા ક્રમે અને ઘરવખરીના સામાન અને ટેકનોલોજીના બિઝનેસમેન સર જેમ્સ ડાયસન અને પરિવાર ૧૨.૬ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રિચ લિસ્ટમાં પાંચમા ક્રમે છે, જેઓ ગત વર્ષે ૧૨મા ક્રમે હતા. બ્રિટનમાં સૌથી ધનવાન મહિલા ટેટ્રા પેક પેકેજિંગ સામ્રાજ્ય ઉભુ કરનારા ઉદ્યોગપતની ગ્રાન્ડડોટર સિગ્રીડ રાઉસિંગ છે, જે ૧૨.૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે. વાર્ષિક રિચ લિસ્ટમાં પ્રથમ વખત સ્થાન મેળવનાર અશ્વેત મહિલા એન્ટ્રેપ્રીન્યોર વેલેરી મોર્ગન છે. ઝિમ્બાબ્વેમાં જન્મેલી વેલેરીએ તેમના ટેકનોલોજી બિઝનેસમાંથી ૧૨૨ મિલિયન પાઉન્ડની સંપત્તિ જમાવી છે.
આ વર્ષના ૧૦૦૦ તવંગરની યાદીમાં ૮૧ એશિયન ધનકૂબેરનો સમાવેશ થયો છે. સમગ્રતયા આ વર્ષે સૌથી ધનવાન ૨૦ એશિયનની સંપત્તિનું મૂલ્ય ૯૪.૮૬૪ બિલિયન પાઉન્ડ છે, જે ૨૦૧૮ના વર્ષમાં ૮૨.૭૬૩ બિલિયન પાઉન્ડના મૂલ્યમાં ૧૨.૧૦૧ બિલિયન પાઉન્ડની વૃદ્ધિ દર્શાવે છે. યુકેમાં સૌથી ધનવાન ૧,૦૦૦ લોકોના અંદાજ સાથેની આ યાદી-૨૦૧૯માં જમીન, પ્રોપર્ટી, કળા તેમજ કંપનીઓમાં શેર્સ સહિત ઓળખી શકાય તેવી સંપત્તિનો આધાર લેવાયો છે તેમજ લોકોના બેન્કખાતામાં રકમોને ધ્યાને લેવાઈ નથી. આ રિચ લિસ્ટમાં પ્રવેશનું ધોરણ વધારીને ૧૨૦ મિલિયન પાઉન્ડની સંપત્તિનું રખાયું છે.
બ્રિટનમાં હિન્દુજા ગ્રૂપ ઓફ કંપનીઝના કર્તાહર્તા શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજાએ ગયા વર્ષની તેમની સંપત્તિમાં ૧.૩૫ બિલિયન પાઉન્ડનો વધારો કર્યો છે. ગયા વર્ષે (૨૦૧૭-૧૮) તેમને લંડનમાં નોંધાયેલી હિન્દુજા ઓટોમોટિવ કંપનીમાંથી ૩.૫ બિલિયન પાઉન્ડના વેચાણ પર સૌથી વધુ ૩૩૭ મિલિયન પાઉન્ડનો નફો થયો હતો. હિન્દુજા ગ્રૂપ ઓઈલ અને ગેસ, બેન્કિંગ, આઈટી, મીડિયા, એનર્જી, હેલ્થકેર અને રિયલ એસ્ટેટ સહિત ૫૦થી વધુ કંપનીઓનું નિયંત્રણ અને ૨૦૧૮માં વિશ્વમાં લગભગ ૪૦ બિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવતું હોવાનું રિચ લિસ્ટમાં જણાવાયું છે. ગ્રૂપની સ્થાપના તેમના પિતા પરમાનંદે ૧૯૧૪માં મુંબઈમાં કરી હતી. શ્રીચંદ (૮૩) અને ગોપીચંદ હિન્દુજા (૭૯) ૧૯૭૯માં બિઝનેસ માટે બ્રિટન આવ્યા પછી તેમના બિઝનેસમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. ત્રીજા ભાઈ પ્રકાશ (૭૩) સ્વિટ્ઝરલેન્ડના જિનીવામાં અને સૌથી નાના ભાઈ અશોક (૬૮) ભારતમાં બિઝનેસ સંભાળે છે. પરિવાર પાસે લંડનમાં કાર્લ્ટન હાઉસ ટેરેસમાં એકબીજા સાથે સંકળાયેલા ઘર છે, જે વર્ષ ૨૦૦૬માં બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીય પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં. તેમણે લંડનના વ્હાઈટહોલમાં પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની જૂની વોર ઓફિસની ઈમારત ૨૦૧૪માં ૩૫૦ મિલિયન પાઉન્ડમાં ખરીદી હતી અને રેફલ્સ ગ્રૂપ સાથે મળી આ સ્થળે ૨૦૨૦ સુધીમાં લક્ઝરી હોટેલ શરુ કરવાની તેમની યોજના છે.
મુંબઈમાં જન્મેલા ડેવિડ રુબેન (૮૦) અને સાઈમન રુબેન (૭૭) પ્રોપર્ટી અને ઈન્ટરનેટ કંપનીઓ સહિતમાં રસ ધરાવે છે. રુબેન બ્રધર્સે ગયા વર્ષે લંડનમાં મેફેરની ૩૦૦ મિલિયન પાઉન્ડની બર્લિંગ્ટન આર્કેડ, શોરડિચની કર્ટેઈન હોટેલ તેમજ પિકાડેલીમાં ૧૩૨ મિલિયન પાઉન્ડના બ્લોક સહિત એક બિલિયન પાઉન્ડની પ્રોપર્ટી ખરીદી હતી. રુબેન બ્રધર્સ ૨૦૧૮ના રિચ લિસ્ટમાં ચોથા સ્થાને હતા અને સંપત્તિમાં ૩.૫૬ બિલિયન પાઉન્ડના વધારા સાથે હવે બીજા ક્રમે આવી ગયા છે.
ભારતીય મૂળના વધુ એક બિલિયોનેર લક્ષ્મી એન. મિત્તલ ૩.૯૯ બિલિયન પાઉન્ડના નુકસાન સાથે ગત વર્ષના પાંચમાં સ્થાનથી આ વર્ષે ૧૧મા સ્થાને નીચે ઉતરી ગયા છે. રાજસ્થાનમાં જન્મેલા સ્ટીલ મેગ્નેટે એસ્સાર સ્ટીલની ખરીદી સાથે ભારતમાં પ્રથમ સ્ટીલ પ્લાન્ટ પર કબજો મેળવ્યો છે. મિત્તલ પછી ૧૨મા સ્થાને ભારતીય માઈનિંગ માંધાતા અનિલ અગ્રવાલ છે. તેમના માટે ગત વર્ષ સારું રહ્યું હતું. તેમની સંપત્તિ ૮.૭૨ બિલિયન પાઉન્ડના વધારા સાથે ૧૦.૫૭ બિલિયન પાઉન્ડ થઈ હતી. ટેક્સ્ટાઈલ્સ અને પ્લાસ્ટિક્સ ઉદ્યોગપતિ શ્રી પ્રકાશ લોહીઆની સંપત્તિ ૨૪૩ મિલિયન પાઉન્ડના વધારા સાથે ૫.૪ બિલિયન પાઉન્ડની થઈ છે અને તેઓ રિચ લિસ્ટમાં ૨૬મો ક્રમ ધરાવે છે. બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ ૨૦૧૮ની યાદીમાં ૯૦મા ક્રમે હતા તેમાં ભારે સુધારા સાથે આ વર્ષે ૬૯મા ક્રમે આવ્યા છે અને તેમની સંપત્તિ ૫૦૦ મિલિયન પાઉન્ડની વૃદ્ધિ સાથે ૨ બિલિયન પાઉન્ડની થઈ છે.
આ વર્ષની ધનવાનોની યાદીમાં ભારતીય મૂળની વધુ વ્યક્તિ સામેલ થઈ છે, જેમાં ૭૫મા ક્રમે ટ્રાન્સપોર્ટ અને ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં નામના મેળવનાર સુનિલ વાસવાણી પણ છે. તેમણે પોતાના ભાઈઓ મહેશ અને હરેશ સાથે મળીને ૧.૯ બિલિયન પાઉન્ડની સંપત્તિ ઉભી કરી છે.
રિચ લિસ્ટમાં ગરવા ગુજરાતી લોર્ડ પોપટ
ટાઈમ્સના રિચ લિસ્ટમાં વધુ એક નામ ગરવા ગુજરાતી લોર્ડ ડોલર પોપટનું ઉમેરાયું છે. ૧૨૦ મિલિયન પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતા લોર્ડ પોપટ બ્રિટિશ રાજકારણમાં ગણનાપાત્ર વ્યક્તિત્વ છે. લોર્ડ અને લેડી પોપટના પરિવારે રિચ લિસ્ટમાં ૯૭૨મો ક્રમ મેળવ્યો છે. યુકે સરકારે યુગાન્ડા અને રુવાન્ડા સાથે વેપારી સંબંધોને ઉત્તેજન આપવા માટે લોર્ડ પોપટની ખાસ નિયુક્તિ કરી છે. યુકેમાં કેર હોમ્સ અને હોટેલ્સનું સંચાલન કરનારા ૬૫ વર્ષીય લોર્ડ પોપટ ઈદી અમીનના યુગાન્ડામાંથી ભારતીયોની હકાલપટ્ટી કરાઈ ત્યારે ખિસ્સામાં માત્ર ૧૦ પાઉન્ડ સાથે ૧૭ વર્ષની વયે યુકેમાં આવ્યા હતા. આ પછી તેમણે ટીએલસી ગ્રૂપનું નિર્માણ કર્યું છે. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગુજરાતી મૂળના પ્રથમ ટોરી સભ્ય ગણાય છે. દેશવિદેશમાં રામાયણકથા માટે પ્રખ્યાત કથાકાર મોરારિબાપુના પ્રીતિપાત્ર અનુયાયીઓમાં લોર્ડ પોપટ અગ્રસ્થાન ધરાવે છે. લોર્ડ પોપટે ચેરિટી સંસ્થા ધ ડોલર પોપટ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે મેડિકલ અને શૈક્ષણિક સંસ્થાઓને અનુદાન આપે છે.
--------------------------------------
યુકેના ટોચના ૧૦ બિલિયોનેર્સ
૧. શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા (ઈન્ડસ્ટ્રી અને ફાઈનાન્સ) £૨૨ બિલિ.
૨. ડેવિડ રુબેન અને સાઈમન રુબેન (પ્રોપર્ટી અને ઈન્ટરનેટ) £૧૮.૭ બિલિ.
૩. સર જિમ રેટક્લિફ (કેમિકલ્સ) £૧૮.૨ બિલિ.
૪. સર લેન બ્લાવાટનિક (ઈન્વેસ્ટમેન્ટ, મ્યુઝિક અને મીડિયા) £૧૪.૪ બિલિ.
૫. સર જેમ્સ ડાયસન અને ફેમિલી ( ઘરવખરી સામાન અને ટેકનોલોજી) £૧૨.૬ બિલિ.
૬. કિર્સ્ટેન અને જોન રાઉસિંગ (ઈન્હેરિટેન્સ અને ઈન્વેસ્ટમેન્ટ) £૧૨.૩ બિલિ.
૭. ચાર્લેન દ કાર્વાલ્હો-હેઈનકેન (ઈન્હેરિટેન્સ, બ્રુઈંગ અને બેન્કિંગ) £૧૨ બિલિ.
૮. એલિશેર ઉસ્માનોવ (માઈનિંગ અને ઈન્વેસ્ટમેન્ટ) £૧૧.૩ બિલિ.
૯. રોમન અબ્રામોવિચ (ઈન્ડસ્ટ્રી અને ઓઈલ) £૧૧.૨ બિલિ.
૧૦. મિખાઈલ ફ્રિડમેન (ઈન્ડસ્ટ્રી) £૧૦.૯ બિલિ.
------------------
સૌથી ધનવાન બ્રિટિશ એશિયન્સ
• (૦૧)- શ્રીચંદ-ગોપીચંદ હિન્દુજા અને પરિવાર-- ૨૨ બિલિયન પાઉન્ડ
• (૦૨) ડેવિડ અને સાઈમન રુબેન-- ૧૮.૬૬૪ બિલિયન પાઉન્ડ
• (૧૧) લક્ષ્મી મિત્તલ અને પરિવાર-- ૧૦.૬૬૯ બિલિયન પાઉન્ડ
• (૧૨) અનિલ અગ્રવાલ-- ૧૦.૫૭ બિલિયન પાઉન્ડ
•(૨૬) શ્રીપ્રકાશ લોહિયા -- ૫.૪૦૨ બિલિયન પાઉન્ડ
•(૪૨) સર અનવર પરવેઝ અને પરિવાર-- ૩.૫૩૪ બિલિયન પાઉન્ડ
• સેમ્યુઅલ ટાક લી અને પરિવાર-- ૩.૦૦૫ બિલિયન પાઉન્ડ
• (૬૩) સાઈમન, બોબી અને રોબિન અરોરા-- ૨.૨૬ બિલિયન પાઉન્ડ
• (૬૬) બાવાગુથુ શેટ્ટી-- ૨.૦૮૩ બિલિયન પાઉન્ડ
• (૬૯) લોર્ડ પોલ અને પરિવાર -- ૨.૦ બિલિયન પાઉન્ડ
•(૭૫) સુનિલ વાસવાણી અને પરિવાર-- ૧.૯૬૯ બિલિયન પાઉન્ડ
• (૮૨) ઝમીર ચૌધરી અને પરિવાર-- ૧.૭૫૫ બિલિયન પાઉન્ડ
• (૮૪) નવીન અને વર્ષા એન્જીનીઅર-- ૧.૭ બિલિયન પાઉન્ડ
• (૮૬) કિરણ મઝમુદાર-શો -- ૧.૬૮૯ બિલિયન પાઉન્ડ
•(૧૧૨) રાજ, ટોની, હરપાલ માથારુ અને પરિવાર -- ૧.૩૨૧ બિલિયન પાઉન્ડ
• (૧૨૫) મોહસિન અને ઝૂબેર ઈસા-- ૧.૨ બિલિયન પાઉન્ડ
• (૧૩૧) મહમૂદ કામાણી અને પરિવાર-- ૧.૧૬૩ બિલિયન પાઉન્ડ
• (૧૩૬) સુરિન્દર અરોરા અને પરિવાર -- ૧.૧૨૯ બિલિયન પાઉન્ડ
• (૧૩૮) જસમિન્દર સિંહ અને પરિવાર -- ૧.૧ બિલિયન પાઉન્ડ
•(૧૭૪) ભીખુ અને વિજય પટેલ -- ૮૦૦ મિલિયન પાઉન્ડ
• (૨૧૮) જટાણીઆ બ્રધર્સ-- ૬૪૩ મિલિયન પાઉન્ડ
•(૨૧૯) રણજિત અને બલજિન્દર બોપારાન-- ૬૪૦ મિલિયન પાઉન્ડ
•(૨૨૭) યુનુસ શેખ અને પરિવાર-- ૬૪૦ મિલિયન પાઉન્ડ
• (૨૪૧) ટોની ફર્નાન્ડીઝ-- ૫૮૭ મિલિયન પાઉન્ડ
•(૨૫૪) અબ્દુલ ભટ્ટી અને પરિવાર -- ૫૪૦ મિલિયન પાઉન્ડ
•(૨૫૪) અદાલત અને અરશાદ ચૌધરી -- ૫૪૦ મિલિયન પાઉન્ડ
•(૩૦૪) અમિત અને મીતા પટેલ -- ૪૫૦ મિલિયન પાઉન્ડ
•(૩૩૯) કરતાર અને તેજ લાલવાણી -- ૪૨૭ મિલિયન પાઉન્ડ
•(૩૯૯) ભુપેન્દ્ર કણસાગરા અને પરિવાર-- ૩૨૦ મિલિયન પાઉન્ડ
•(૫૬૨) વિપુલ ઠકરાર અને પરિવાર-- ૨૧૪ મિલિયન પાઉન્ડ
•(૫૮૭) મયંક પટેલ-- ૨૦૫ મિલિયન પાઉન્ડ
•(૬૩૭) કૂલેશ શાહ અને પરિવાર-- ૧૯૨ મિલિયન પાઉન્ડ
•(૬૪૧) નિક અને મોનિશા કોટેચા અને પરિવાર-- ૧૯૦ મિલિયન પાઉન્ડ
•(૭૧૯) કીર્તિ પટેલ અને પરિવાર-- ૧૬૫ મિલિયન પાઉન્ડ
•(૭૧૯) લોર્ડ વીરજી-- ૧૬૫ મિલિયન પાઉન્ડ
•(૭૩૧) ધામેચા પરિવાર-- ૧૬૦ મિલિયન પાઉન્ડ
•(૭૬૮) ચાઈ પટેલ-- ૧૫૪ મિલિયન પાઉન્ડ
• (૭૭૫) સુનીલ સેટિયા-- ૧૫૨ મિલિયન પાઉન્ડ
•(૭૮૭) કીરિટ અને મીના પાઠક-- ૧૫૦ મિલિયન પાઉન્ડ
•(૮૬૭) રાજ માણેક-- ૧૩૭ મિલિયન પાઉન્ડ
•(૮૮૪) નીતિન સોઢા અને પરિવાર-- ૧૩૪ મિલિયન પાઉન્ડ
•(૯૩૪) હિતેશ અને દિલેશ મહેતા-- ૧૨૬ મિલિયન પાઉન્ડ
•(૯૩૪) નંદલાલ અને દીપ વાલેચા-- ૧૨૬ મિલિયન પાઉન્ડ
•(૯૭૨) લોર્ડ અને લેડી પોપટ પરિવાર-- ૧૨૧ મિલિયન પાઉન્ડ