હીથ્રો સૌથી વ્યસ્ત એરપોર્ટ નથી રહ્યું

Tuesday 09th February 2016 13:38 EST
 
 

લંડનઃ વિશ્વના સૌથી વ્યસ્ત ઈન્ટરનેશનલ એરપોર્ટનું હીથ્રોનું બિરુદ ગયા વર્ષે દુબાઈ એરપોર્ટે છીનવી લીધું છે. બીજી તરફ, ત્રીજા રનવે વિશે પ્રવર્તતી અચોક્કસતાના કારણે યુરોપના સૌથી મોટા એરપોર્ટનું સ્થાન પણ હીથ્રો ગુમાવી શકે છે. આગામી વર્ષે ઈસ્તંબુલ એરપોર્ટમાં ૧૦.૨ બિલિયન પાઉન્ડના ખર્ચે કામકાજ પૂર્ણ થવા સાથે વધુ સ્પર્ધા ઉભી થશે, જે હીથ્રોની ક્ષમતાથી બમણા એટલે કે ૧૫૦ મિલિયન પેસેન્જરનું વહન કરી શકશે.

એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર ગત ૧૨ મહિનામાં યુરોપના પેરિસ, ઈસ્તંબુલ, એમસ્ટર્ડેમ અને માડ્રિડ ઈન્ટરનેશનલ એરપોર્ટ્સનો ઝડપી વિકાસ થયો છે અને ટુંક સમયમાં હીથ્રો પોતાનું સ્થાન ગુમાવી શકે છે. માડ્રિડ-બારાજાસ એરપોર્ટનો પાંચ ગણી અને ઈસ્તંબુલ-આતાતુર્કનો ચાર ગણી ઝડપે વિકાસ થયો છે.

યુરોપના મુખ્ય એરપોર્ટ્સમાં ૨૦૧૫ના વર્ષમાં પેસેન્જર સંખ્યા જોઈએ તો, લંડન હીથ્રો એરપોર્ટમાં ૭૫ મિલિયન પેસેન્જર (૨.૨ ટકા વૃદ્ધિ) આવ્યા હતા. તેની સરખામણીએ પેરિસ ચાર્લ્સ દ ગોલ ખાતે ૬૬ મિલિયન (૩.૧ ટકા), ઈસ્તંબુલ-આતાતુર્ક ૬૧.૮ મિલિયન (૯.૧ ટકા), ફ્રેન્કફર્ટ મિલિયન (૨.૫ ટકા), એમસ્ટર્ડેમ શિફોલ ૫૮.૩ મિલિયન (૬ ટકા), માડ્રિડ-બારાજાસ ૪૬.૮ મિલિયન (૧૨ ટકા), મ્યુનિખ ૪૧ મિલિયન (૩.૨ ટકા), રોમ ફિયુમિસિનો ૪૦.૪ મિલિયન (૫ ટકા), લંડન ગેટવિક ૪૦ મિલિયન (૫.૭ ટકા) અને બાર્સેલોના-એલ પ્રાટ ૩૯.૭ મિલિયન (૫.૭ ટકા)નો દેખાવ નોંધપાત્ર રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter