નવી દિલ્હીઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2025ના કેન્દ્રીય બજેટમાં પ્રવાસને વેગ આપવા સંખ્યાબંધ જાહેરાતો કરી હતી જે અંતર્ગત સરકાર વિદેશી પ્રવાસીઓ માટે પ્રવાસન સરળ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. સરકાર પ્રાઇવેટ પ્લેયર્સ સાથે મળીને મેડિકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન આપશે.
ભારતમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા સરકાર પસંદગીના વિદેશી પ્રવાસી ગ્રુપોને વિઝામાં છૂટછાટ આપશે. જેમાં ભારતમાં એન્ટ્રીની પ્રક્રિયા સરળ બનાવાશે. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા સરકાર હીલ ઇન ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કરી રહી છે. જેમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા સરકાર પ્રાઇવેટ સેક્ટર સાથે કોલોબ્રેશન કરશે. આજે ભારત વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવારનું કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર વિશ્વમાંથી સારવાર માટે દર્દીઓ ભારત આવે છે. વિઝા પ્રોસેસમાં સરળતા અને મેડિકલ સુવિધાઓમાં સુધારા દ્વારા ભારત મેડિકલ સારવાર માટેનું વૈશ્વિક કેન્દ્ર બની શકે છે.
મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતૂસર નાણાપ્રધાને દેશના તમામ જિલ્લાઓમાં આગામી 3 વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં 200 કેન્સર ડે-કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત નાણાપ્રધાન દ્વારા કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સારવાર સસ્તી બને તે માટે 36 લાઇફ સેવિંગ ડ્રગ્સ અને મેડિસિન્સને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. આમ દવાઓ સસ્તી થતાં ભારતમાં સારવાર પણ સસ્તી બનશે અને મેડિકલ ટુરિઝમને વેગ મળશે.