લંડનઃ વિધામના સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીને ફરી સત્તામાં લઇ આવીશ. લંડનમાં અભિયાનનો પ્રારંભ કરનાર પ્રીતિ પટેલ સરકારમાં શાસનનો બહોળો અનુભવ ધરાવવા સાથે પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ સાથે સંકળાયેલાં છે. આગામી સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ સત્તામાં પરત આવી શકશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે શરત લગાવી લો કે અમે જ જીતીશું. હું પાર્ટીને વિપક્ષમાંથી સરકારમાં દોરી જઇશ જેથી અમે બ્રિટિશ જનતાને લેબર સરકાર દ્વારા ઝૂંટવાઇ રહેલી આઝાદી અને ગૌરવ પરત અપાવીને સેવા કરી શકીએ.
તેમણે જણાવ્યું હતું કે, જો હું પાર્ટીના નેતા તરીકે ચૂંટાઇ આવીશ તો કાર્યકરોને પાર્ટીનું નિયંત્રણ સોંપવાના ભાગરૂપે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી કરાવીશ. હું ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં સુધારો લાવીશ જેથી બહારના ઉમેદવારોને સ્થાનિકો પર થોપી દેવાય નહીં. ગઇ ચૂંટણીમાં પાર્ટીના કારમા પરાજયમાં મેં બ્રિટિશ જનતાનો સંદેશ સાંભળ્યો છે પરંતુ કન્ઝર્વેટિવ નિષ્ફળ ગયાં નથી. અમારા મૂલ્યો અને સિદ્ધાંત યથાવત છે.
ચાર દિવસના સપ્તાહની યોજના તબાહી લાવશેઃ પ્રીતિ પટેલ
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, લેબર સરકારની ચાર દિવસના સપ્તાહની યોજના વેપાર અને ઉદ્યોગજગત માટે તબાહી લઇને આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં તમે વડાપ્રધાનના અત્યંત અપ્રમાણિક ભાષણો સાંભળ્યાં છે. તેમની સરકાર વિન્ટર ફ્યુઅલ પેમેન્ટમાં કાપ મૂકીને પેન્શનરોના ખિસ્સા કાપી રહી છે.
રેકોર્ડ ઇમિગ્રેશન પર પોતાના નિર્ણયોનો પટેલ દ્વારા બચાવ
પ્રીતિ પટેલે તેમના હોમ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં રેકોર્ડ સપાટી પર પહોંચેલા ઇમિગ્રેશન પર પોતાના નિર્ણયોનો બચાવ કર્યો હતો. સવાલોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનના આંકડાને કોરોના મહામારી અને યુક્રેનમાં યુદ્ધના સમયગાળાને ધ્યાનમાં રાખીને મૂલવવા જોઇએ. મેં સિસ્ટમમાં બદલાવ કરીને માઇગ્રેશન પર નિયંત્રણ મેળવવાની મંત્રીઓને પરવાનગી આપી હતી.