આશરે ૧૬ વર્ષ પહેલા ક્વીન એલિઝાબેથ કોન્ફરન્સ સેન્ટર,લંડન ખાતે ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી (PSNC)ની બેઠક દરમિયાન મારી મુલાકાત ડે લુઈશ ફાર્મસીના કિરીટ પટેલ સાથે થઈ હતી. નેશનલ ફાર્મસી એસોસિયેશન (NPA) બોર્ડમાં ચૂંટાયા પછી હું ફરી એક વખત કિરીટને મળવા સદ્ભાગી બન્યો હતો, જેઓ ત્યારે NPAના ચેરમેનપદ માટે ઉમેદવાર હતા.
કિરીટ સતત ખડખડાટ હાસ્યથી ખંડને ભરી લેતા અને જીવંત, જોશીલા વ્યક્તિત્વ ધરાવતા મૈત્રીપૂર્ણ જેન્ટલમેન હતા. તેઓ હંમેશાં સામે પગલે ચાલીને દરેક સાથે મિત્રતા દાખવવા જતા અને કોઈને અગાઉ ન મળ્યા હોય તેમને પોતાનો પરિચય પણ આપતા. તેમની અપાર સફળતા અને સંખ્યાબંધ દુકાનોની માલિકી અથવા સંપત્તિની વાત માંડીને તેઓ સામા પગલે પરિચય આપે તેવી કોઈને અપેક્ષા પણ ન હોય, પરંતુ સાચા અને નમ્ર માનવી હોવાના લીધે જ તેઓ આમ કરતા હતા. અમારી પેરિસની એક મુલાકાત અગાઉ તેમને પગના મોજાં ખરીદવા હતા ત્યારે અમે એક વૃદ્ધને ફૂટપાથ પર મોજાં વેચતા જોયા. ઉદારમના અને દયાળુ હૃદયના કિરીટભાઈએ મોજાંનો તમામ સ્ટોક ખરીદી લીધો અને માગેલી કિંમત કરતા પણ વધુ નાણા ચુકવી આપ્યા, જે કદાચ તે વૃદ્ધની છ માસની આવક કરતા પણ વધુ હતા. આવી તો હતી તેમની ઉદારતા.
વર્ષોની સાથે અમારી મૈત્રી ગાઢ બની અને ભારતમાં તેમની અને તેમની પત્ની સાથે પ્રવાસ કરવાનું સૌભાગ્ય મારી પત્ની અને મને સાંપડ્યું હતું. દક્ષિણ ભારતના આવા જ એક પ્રવાસ દરમિયાન તેઓ ટ્રેનના પ્રવાસીઓના એક મોટા જૂથને દક્ષિણ ભારતમાં વ્યાપકપણે પ્રચલિત ઓરેન્જ સોફ્ટ ડ્રિન્ક ટોરિનોનું ઉત્પાદન કરતી ફેક્ટરીની મુલાકાતે લઈ ગયા હતા. તેમના પિતાએ ફેક્ટરીના માલિકને બિઝનેસ સ્થાપવા માટે ટેકો કર્યો હતો. કિરીટને પોતાના પિતાની શુભચેષ્ટાનું ભારે ગૌરવ હતું અને આ મુલાકાતે તેમના માટે પરિવાર અને બિઝનેસનું મહત્ત્વ સુદૃઢ બનાવ્યું હતું. એ બપોર પછી અમે બોટ પર પાછા ફર્યા અને ભોજન અને નૃત્યમાં સુંદર સમય વીતાવ્યો હતો. તેમને ભારતીય બોલિવૂડ મ્યુઝિકની સમજ ન હતી કે તે ગમતું પણ ન હતું છતાં, ભારતીય સંસ્કૃતિને તેઓ ભરપૂર માણતા હતા. અમારા ભારતપ્રવાસ દરમિયાન અમને પ્રવાસ માટે કિરીટના છલોછલ ઉત્સાહનો સાચો અનુભવ થયો હતો.
તેઓ એવી વ્યક્તિ હતા, જે ખુદ કોઈ પણ મુશ્કેલીમાંથી પાર ઉતરી શકે છે તેમ પુરવાર કરવા પડકારો ઉપાડી લેતા હતા. તેઓ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કોઈ સિદ્ધિ હાંસલ કરી હોવાની ચોકસાઈ હંમેશાં કરી લેતા હતા. ફાર્મસીઓના વિરાટ સામ્રાજ્યને વિસ્તારવા તેઓ પોતાના બિઝનેસના કેન્દ્રમાં યોગ્ય વ્યક્તિઓને હંમેશાં સાથે રાખીને જ ભારે નાણાકીય જોખમ લેતા હતા. આ સિદ્ધાંતની તાકાત તેમને આર્થિક પછડાટો, NHSના ભંડોળકાપ અને ક્રેડિટ કટોકટીમાં પણ અસ્તિત્વ જાળવી રાખવામાં મદદ કરતો હતો. તેમનો સંદેશો એ હતો કે, ‘સિતારાઓનું લક્ષ્ય રાખો અને જો તમે મૂન (ચંદ્ર)નું નિશાન પાર પાડશો તો તે નોંધપાત્ર સિદ્ધિ બની રહેશે.’
કિરીટને લોકોની પરોણાગત કરવી ગમતી અને ઘણી વાર તેઓ આમ કરતા હતા. તેઓ હંમેશાં દરેક માટે અને જેમને પ્રથમ વખત મળતા હોય તેમના માટે પણ ડ્રિન્ક ખરીદતા હતા. તેઓ એકતામાં માનતા અને સંસ્થાઓ અથવા જેનું પ્રતિનિધિત્વ કરતા તેવી ફાર્મસી સંસ્થાઓમાં વિસંવાદિતા તેમને કદી પસંદ ન હતી.
કિરીટની મારી એક યાદ તદ્દન તાજી છે, જ્યારે જૂન ૨૦૧૬ના અંતમાં હેરોડ્સમાં તેમની ફાર્મસીમાં અમારી બેઠક યોજાઈ હતી. મને હંમેશની માફક સ્માર્ટ વસ્ત્રપરિધાન સાથે ચપળતાપૂર્વક સીડીઓ ઉતરી નીચે આવતો કિરીટ યાદ છે. મીટિંગ પહેલા તે સીધો જ રમઝાનમાં ઉપવાસ કરી રહેલી ફાર્માસિસ્ટ પાસે ગયો હતો અને જરૂર લાગે કે નબળાઈ જણાય તો આરામ કરી લેવાની તેને સલાહ પણ આપી હતી. કિરીટને પોતાના સ્ટાફ તેમજ અન્ય તમામ ધર્મો પ્રત્યે ઘણું જ માન હતું. અમારી મીટિંગમાં કિરીટને એમ લાગ્યું હતું કે હું નાણાભીડમાં છું અને તેમણે મને કોઈ જ સિક્યોરિટી વિના મોટી રકમ આપવાની ઓફર કરી હતી. જોકે, અમારી બેઠકનો આ કોઈ હેતુ જ ન હતો છતાં, તેમની ઉદારતા અને વિશ્વાસનું તે પ્રદર્શન હતું.
અમે ઘણી વખત, સપ્તાહમાં ઓછામાં ઓછાં બે વખત મધરાત સુધી ટેક્સ્ટ મેસજીસની આપ-લે કરતા હતા. તેમને મોકલેલા છેલ્લાં ટેક્સ્ટ મેસેજીસમાં એક બાથ યુનિવર્સિટી દ્વારા તેમને અપાયેલી માનદ ડોક્ટરેટ સ્વીકારવાની પ્રવચનનો મુસદ્દો ઘડવામાં મદદ સંબંધિત હતો. તેમની સ્પીચ અભૂતપૂર્વ અને વાસ્તવમાં પ્રેરણાદાયી હતી. આ પ્રવચન https:vimeo.com/172914086 પર જોઈ શકાશે. તેમના પ્રવચનો કદી ટાળી શકાય તેવાં ન હતાં. તેમના શાણપણભર્યા શબ્દોએ આપણા દેશના ફાર્મસીવિશ્વમાં વિવિધ જૂથોને એકસંપ કરવામાં ભૂમિકા ભજવી હતી.
અમે ૧૨ અને ૧૩ જુલાઈએ લિવરપૂલમાં PSNCની બેઠકમાં હાજરી આપી હતી. કિરીટ અને હું સાથે બેસીને આ કપરાં કાળમાં ફાર્મસીઓને અસર કરતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરતા હતા. તેમણે મને કહ્યું કે તેમનું લક્ષ્ય પોતાના સંતાનોને વારસામાં આપવાના ઈરાદા સાથે આગામી ૧૦ વર્ષમાં ૫૦૦ શોપ્સનું સામ્રાજ્યનું નિર્માણ કરવાનું હતું, જેથી તેઓ ખુદના પત્ની અને ભાવિ ગ્રાન્ડચિલ્ડ્રન સાથે વધુ સમય પસાર કરી શકે તથા મિત્રો સાથે વિશ્વના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરી શકે.
કિરીટને લિવરપૂલ ફૂટબોલ ક્લબ ખૂબ ગમતી હતી. મેં તેમને અને તેમના મિત્રોના જૂથને બેંગકોકમાં સુંદર ભારતીય ભોજન માટે વિશ્વખ્યાત રેસ્ટોરાંમાં એક ‘Gaggan’માં આમંત્ર્યા હતા. ભોજનનો પ્રથમ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને થોડી વ્યાકુળતા જણાઈ હતી. મેં તેમને કશું અસુવિધા છે કે કેમ અને હું કશું કરી શકું તેવો પ્રશ્ન કર્યો હતો. તેમણે મને બાકીના ડિનરમાં ભાગ લેવાથી માફ કરવાની વિનંતી કરી હતી, જેથી તેઓ બેંગકોકમાં ટીવી પર લિવરપૂલ ફૂટબોલ મેચનું જીવંત પ્રસારણ કરાતું હોય તેવી હોટેલ અથવા બારમાં જઈ શકે. ફૂટબોલ પ્રત્યે તેમની આવી ઉત્કટ ચાહના હતી. કિરીટને સ્કીઈંગ પણ ઘણું ગમતું અને જો સમગ્ર પૃથ્વીને બરફથી આચ્છાદિત કરી લેવાય તો એક છેડાથી બીજા ચેડા સુધી સ્કીઈંગ કરનારા તે પ્રથમ વ્યક્તિ હોત. તેમને બુંગી જમ્પિંગ, સ્કાય ડાઈવિંગ અને કિલિમાંજારો પર આરોહણ સહિતના સાહસો ઘણાં ગમતા હતા.
હવે મારા જીવનમાં વિશાળ શૂન્યાવકાશ છવાઈ ગયો છે, જે જીવન એક સમયે મારા સમર્થક ભાઈ દ્વારા પરિપૂર્ણ હતું. સમગ્ર યુકેની ફાર્મસીઓએ વિશ્વે એક ઉત્કૃષ્ટ રાજદૂત ગુમાવ્યો છે, ફાર્મસીઓના વિશ્વે સાચો મિત્ર ગુમાવ્યો છે. તેમણે પોતાના જીવનનો શોક મનાવવાના બદલે ઉજવણી કરવાની ઈચ્છા દર્શાવી હતી અને તેમના પરિવારે ખરેખર તેમના જીવનની ઉજવણી કરવા શેમ્પેન પાર્ટીનું આયોજન કર્યું હતું.
તેમના પરમ મિત્રોમાંના એક માનવિલ પટેલ કહે છે કે જો આપણે તેમના વિશે પુસ્તક લખવાનું હોય તો બુકનું ટાઈટલ ‘અધૂરી કહાની’ જ રાખવું જોઈશે. આ મહામાનવની જીવનકથા સાથે તે બંધબેસતું રહેશે.
હું તો આ જ કિરીટને ઓળખતો હતો.