મંગળવારે કથાનો આરંભ થયો તે પહેલા મોરારિ બાપુએ ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠ નિમિત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ભારતીય તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. કથાના પ્રારંભે જ મોરારિ બાપુએ વડા પ્રધાન રિશિ સુનાકને માત્ર દેશના વડા તરીકે જ નહિ, ભારતીય મૂળના વ્યક્તિ તરીકે આવકાર્યા હતા. બાપુએ એમ પણ જણાવ્યું હતું કે શ્રી સુનાકનું નામ સન્માનીય મનીષી ‘ઋષિ શૌનક’ના નામ પરથી ઉતરી આવ્યું છે.‘
શ્રી સુનાકે બે હાથ જોડી સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારતના સ્વાતંત્ર્ય દિને કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે મોરારિ બાપુની કથામાં ઉપસ્થિત થવાનું ગૌરવ અને આનંદની વાત છે. બાપુ, હું અહીં પ્રાઈમ મિનિસ્ટર તરીકે નહિ પરંતુ, હિન્દુ તરીકે આવ્યો છું! મારા માટે આસ્થા અંગત બાબત છે. તે મારા જીવનના પ્રત્યેક પાસામાં માર્ગદર્શન આપે છે. પ્રાઈમ મિનિસ્ટર હોવું એ મોટું સન્માન છે પરંતુ, એ સરળ કામગીરી નથી. મુશ્કેલ નિર્ણયો લેવાના હોય છે, મુશ્કેલ પસંદગીઓનો સામનો કરવો પડે છે અને આપણી આસ્થા મને અમારા રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ કરવા માટે હિંમત, તાકાત અને ધીરજ પૂરા પાડે છે.’
સુનાકે વ્યાસપીઠની પાછળ હનુમાનજીના ચિત્રનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ‘હું ચાન્સેલર હતો ત્યારે 11, ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દીવાળી માટે દીપક પ્રગટાવવાની ક્ષણો અદ્ભૂત અને વિશિષ્ટ હતી અને બાપુની પાછળની તરફ સુવર્ણ હનુમાનની બેઠક છે તે જ રીતે 10, ડાઉનિંગ સ્ટ્રીટના મારા ડેસ્ક પર સુવર્ણના ગણેશજી પ્રસન્ન વદને બેઠા છે તેનો મને ગર્વ થાય છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા મુદ્દાઓને સાંભળવા અને તેના પર વિચાર કરવાનું મને સતત સ્મરણ કરાવે છે!’
તેમણે સાઉથ હેમ્પ્ટનમાં પોતાના બાળપણના દિવસોમાં ભાઈબહેનો સાથે મંદિરની મુલાકાતો તેમજ પરિવાર સાથે હવન, પૂજા, આરતી અને પ્રસાદના વિતરણ સહિતની વિધિઓમાં ભાગ લેવાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘ આપણા મૂલ્યો અને બાપુ તેમના જીવલનમાં દરરોજ જે આચરણ કરે છે તે મૂલ્યો નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને આસ્થા પ્રત્યે નિષ્ઠાના છે. પરંતુ, સૌથી મહાન મૂલ્ય કર્તવ્ય અથવા સેવાનું છે. આ હિન્દુ મૂલ્યો બ્રિટિશ મૂલ્યોની સાથે સુસંગત છે.’
‘બાપુ પ્રવચન આપી રહ્યા છે તે રામાયણનું જ નહિ, ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસાનું સ્મરણ કરી રહ્યો છું. મારા માટે ભગવાન રામ જીવનના પડકારોનો હિંમતપૂર્વ સામનો કરવા, નમ્રતા સાથે વહીવટ કરવા અને નિઃસ્વાર્થભાવે કાર્ય કરવા માટેનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,‘બાપુ, આપના આશીર્વાદ સાથે હું આપણા ધર્મશાસ્ત્રોએ નેતાને જે રીતે નેતૃત્વ કરતા શીખવ્યું છે તે અનુસાર નેતૃત્વ કરવાની ઈચ્છા રાખું છું. બાપુ, આપ જે કાંઈ કરો છો તે માટે આપનો આભાર, સત્ય, પ્રેમ અને અનુકંપાના મઆપના ઉપદેશ અગાઉ ક્યારેય હતા તેનાથી વધુ આજે પ્રસ્તુત જણાય છે.’
વડા પ્રધાન સુનાકે બાપુના પ્રેરણાદાયી કાર્ય અને અમર્યાદિત શક્તિ અને નિષ્ઠાની પ્રશંસા કરવા સાથે તાજેતરમાં 12,000 કિલોમીટરથી વધુ અંતર આવરી લેનારી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
મોરારિ બાપુએ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરને ઉષ્માપૂર્ણ આવકાર આપતા ભગવાન હનુમાનના આશીર્વાદ પાઠવી બ્રિટનની પ્રજા માટે તેમની સમર્પિત સેવા માટે અબાધિત શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. પ્રાઈમ મિનિસ્ટરના કલ્પનાશીલ નેતૃત્વનો લાભ દેશના પ્રત્યેક નાગરિકને મળી રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. પ્રાઈમ મિનિસ્ટર સુનાક ગિફ્ટ્સનો સ્વીકાર કરતા નથી તેને સ્વીકારવા સાથે જ્યોતિર્લિંગ રામ કથા યાત્રામાંથી પવિત્ર પ્રસાદ સ્વરૂપે ભગવાન સોમનાથથી પવિત્ર શિવલિંગની ભેટ આપી હતી.
(મોરારિ બાપુની કથાનો પ્રારંભ 12 ઓગસ્ટથી કરાયો હતો અને 1496માં સ્થાપના થયાં પછી જિસસ કોલેજનું વડપણ કરનારાં સૌપ્રથમ મહિલા અને 41મા માસ્ટર સોનિટા એલેયને OBE તેમજ હાઉસ ઓફ લોર્ડ્સમાં કન્ઝર્વેટિવ ઉમરાવ અને આયોજક પરિવારના પ્રતિનિધિ લોર્ડ ડોલર પોપટ દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું હતું.)