લેસ્ટર ઇસ્ટના પીઢ રાજકીય નેતા ભારતીય મૂળના કીથ વાઝે લાંબો સમય સક્રિય રાજનીતિમાંથી બહાર રહ્યા બાદ ફરી એકવાર જાહેર સેવામાં પરત ફરવાનો નિર્ણય કરતાં લેસ્ટર ઇસ્ટ સંસદીય બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે ભાવિ યોજનાઓનો ચિતાર આપ્યો હતો.
ગુજરાત સમાચારઃ ફરી એકવાર સક્રિય રાજનીતિમાં પરત ફરવા માટે કઇ બાબત જવાબદાર છે?
કીથ વાઝઃ દેશની રાષ્ટ્રવ્યાપી સ્થિતિ, શહેરની સ્થાનિક સ્થિતિ અને આપણી રાજનીતિની બદહાલી જોઇને મેં નિવૃત્તિમાંથી બહાર આવીને સક્રિય થવાનો નિર્ણય કર્યો છે. લેસ્ટર ઇસ્ટના સાંસદ તરીકે મેં ઘણા કામ કર્યાં હતાં પરંતુ આજે લેસ્ટરની સ્થિતિ જોઇને મને ઘણો આઘાત લાગી રહ્યો છે. સંખ્યાબંધ તકો છતાં લેસ્ટર આજે નાદારી નોંધાવવાના આરે પહોંચ્યું છે. આર્થિક સંકડામણના કારણે દીવાળીની ઉજવણી પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. આ જોઇને મને લાગ્યું કે મારે ફરી એકવાર સક્રિય થવું પડશે.
ગુજરાત સમાચારઃ લેસ્ટર ઇસ્ટ માટે તમારું વિઝન શું છે, વન લેસ્ટર પાર્ટીના લક્ષ્યાંકો તેની સાથે કેવી રીતે સંકળાયેલાં છે?
કીથ વાઝઃ વન લેસ્ટર પાર્ટી સ્થાનિક સમુદાયના વિશ્વાસના પુનઃનિર્માણ માટે પ્રતિબદ્ધ છે જેથી તમામ ધર્મના લોકો એકસાથે મળીને કામ કરી શકે. વિભાજિત થઇ ગયેલા સમુદાયો વચ્ચે એકતા માટેનો આ શ્રેષ્ઠ માર્ગ છે. મને આશા છે કે વચન પાલન અને સારી રાજનીતિ લેસ્ટરને ફરી મહાન શહેર બનાવશે.
ગુજરાત સમાચારઃ શું તમને લાગે છે કે લેબર પાર્ટી લઘુમતી સમુદાયોના હિતોનું રક્ષણ કરવા માટે ગંભીર છે?
કીથ વાઝઃ આજની લેબર પાર્ટી હું યુવાન વયે જે પાર્ટીમાં જોડાયો હતો તે લેબર પાર્ટી નથી. લેબર પાર્ટીની કામગીરીના કારણે વંશીય લઘુમતી સમુદાયના લોકો હાંસિયામાં ધકેલાઇ ગયાં છે. અશ્વેત અને એશિયન સમુદાયોના યોગદાનની યોગ્ય કદર થવી જોઇએ.
ગુજરાત સમાચારઃ તમારા મતવિસ્તારના લઘુમતી સમુદાયોનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશો?
કીથ વાઝઃ હું મારા મતવિસ્તારમાં લઘુમતીઓ માટે યોજના બનાવવા ઇચ્છું છું. લેસ્ટરમાં વિવિધ સંસ્કૃતિના લોકો વસવાટ કરે છે અને તેમને એકજૂથતાનો અનુભવ થવો જોઇએ. અત્યારે સમુદાયો વિભાજિત થયેલાં છે.
ગુજરાત સમાચારઃ તમારા પ્રતિસ્પર્ધી ઉમેદવારો કરતાં તમે પોતાને સારી પસંદગી કેવી રીતે માનો છો?
કીથ વાઝઃ મારી પાસે અનુભવોનો ખજાનો છે. હું 32 વર્ષ સાંસદ રહ્યો છું. હાલ મારા મતવિસ્તારને આત્મવિશ્વાસ ધરાવતા, પ્રતિબદ્ધ અને અનુભવી સાંસદની જરૂર છે. સરકાર બદલાવાથી બધું સરળ થઇ જવાનું નથી. આપણે જનતા માટે કામ કરતી સરકારની જરૂર છે જે સ્થાનિક સમુદાયોને પ્રાધાન્ય આપે. આ કામ માટે મારે ફક્ત પાંચ વર્ષની જરૂર છે.
ગુજરાત સમાચારઃ નવી પાર્ટી અથવા અપક્ષ ઉમેદવારોને કરવા પડતા સંઘર્ષ અંગે તમે શું માનો છો?
કીથ વાઝઃ મને વિશ્વાસ છે કે વન લેસ્ટર પાર્ટી ટકી રહેવામાં સક્ષમ છે. મને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં પણ ટકી રહેશે કારણ કે તે સ્વયંસેવી પાર્ટી છે અને લોકો તેને દાન આપી રહ્યાં છે. મેં 3 પ્રતિજ્ઞા લીધી છે. હું 7 દિવસ કામ કરતી સાંસદની ઓફિસ શરૂ કરીશ, મારો સાંસદ તરીકેનો પગાર દાનમાં આપીશ અને જનરલ હોસ્પિટલની સુરક્ષા કરીશ. હું લેસ્ટરને પ્રેમ કરું છું અને સેવા માટે જીવી રહ્યો છું.