વેસ્ટ યોર્કશાયરના સ્લેથવાઇટ સ્પા ખાતે કબરમાં જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કરનાર ૪૩ વર્ષના એસ્કેપોલોજીસ્ટ એન્ટોની બ્રિટનને માંડ માંડ જીવતા બચાવવા પડ્યા હતા. જો થોડીક સેકન્ડનું મોડુ થયું હોત તો બ્રિટનનું મોત નિશ્ચીત હતું.
આજથી બરાબર સો વર્ષ પહેલા હંગેરીના મૂળ વતની અને અમેરિકામાં વસતા વિખ્યાત જાદુગર, બાજીગર અને કરતબ કલાકાર હેનરી હુડીનીએ આવી જ રીતે જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કર્યો હતો અને તેમને પણ માંડ માંડ બચાવાયા હતા. તે પછી ૧૯૪૯માં માંચેસ્ટરના જાદુગર એલન એલનને માટીમાંથી ખોદી કાઢીને બહાર કાઢવા પડ્યા હતા. છેલ્લા સો વર્ષમાં વિશ્વમાં માત્ર ૩ જ વ્યક્તિ આવો ખેલ કરવાનું સાહસ કરી શકી છે અને તેમાં ત્રીજા અને છેલ્લા એન્ટોની બ્રિટને ફરીથી આ ખેલ કદી નહિં કરે તેમ જણાવ્યું હતું.
લિંથવાઇટના એન્ટોની બ્રિટન કોફીન વગર હાથકડી પહેરીને કબરમાં છ ફૂટ ઉંડે સુઇ ગયા હતા અને તે પછી ૬ ટન જેટલી માટી તેમના પર નાંખવામાં આવી હતી. પરંતુ નવ મિનિટ કરતા પણ અોછા સમયમાં તેમને બહાર કાઢવા પડ્યા હતા. આ ખેલ કરવા જતા તેમની પાંસળી ભાંગી ગઇ હતી અને શરીર પર ઠેરઠેર ઉઝરડા પડ્યા હતા. એન્ટોનીએ જણાવ્યું હતું કે 'મને લાગ્યું હતું કે જો થોડીક સેકન્ડ બચાવવામાં મોડા પડ્યા હોત તો મારું મોત નક્કી હતું. છ ટન માટી જાણે કે મને ભીંસતી હતી. મેં આ ખેલ કરવા માટે મારૂ સર્વસ્વ હોમી દીધું હતું. પરંતુ સાચુ કહું તો આજે મારો દિવસ નહોતો.' એન્ટોનીએ આ સ્ટંટ લ્યુકેમીયા એન્ડ એએમપી અને લીમ્ફોમા રીસર્ચ ચેરીટીના લાભાર્થે કર્યો હતો.