લંડન, વિયેનાઃ માનવી પર કરાયેલા પરીક્ષણોના પરિણામો મુજબ હે ફીવરના લક્ષણોમાં ધરખમ ઘટાડો જણાતા તેની પ્રતિકારક રસી ત્રણ વર્ષમાં જ મળતી થઈ જશે. મેડિકલ યુનિવર્સિટી ઓફ વિયેનાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પરિણામો ખૂબ જ ઉત્સાહજનક હતા. તેમને આશા છે કે કેચલાક વર્ષ સુધી બુસ્ટર રસી લીધા પછી દર્દીઓ સાજા થઈ જશે.
બ્રિટનમાં ૧૮ મિલિયન જેટલાં લોકો હે ફીવરથી પીડાય છે. તેના લક્ષણોમાં છીંકો આવવી, ગળું દુખવું, આંખોમાંથી પાણી નીકળવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી છે.
બીજા તબક્કાના પરીક્ષણમાં જણાયું હતું કે આ રસીથી બે વર્ષમાં હે ફીવરના લક્ષણોમાં ૨૫ ટકાનો ઘટાડો થાય છે. રસી વિક્સાવવાની કામગીરીનું નેતૃત્વ સંભાળતા ડો. રુડોલ્ફ વેલેન્ટાએ જણાવ્યું હતું કે અપ્રસિદ્ધ અહેવાલ મુજબ એક વર્ષની સારવાર પછી કેટલાંક દર્દીઓમાં હે ફીવરના લક્ષણો ૬૦ ટકા ઘટ્યા હતા.