લંડનઃ નોર્થ લંડનની હેન્ડન બેઠક પર ભારતીય મૂળના કન્ઝર્વેટિવ ઉમેદવાર અમિત જોગિયાને ફક્ત 15 મતથી પરાજયનો સામનો કરવો પડતાં ભારતીય અ વિશેષ કરીને બ્રિટિશ ગુજરાતી સમુદાયમાં ભારે હતાશાની લાગણી પ્રસરી ગઇ હતી. મતગણતરીમાં લેબર પાર્ટીના ઉમેદવાર ડેવિડ પિન્ટો ડુસિન્સ્કીને 15,855 જ્યારે કન્ઝર્વેટિવ ઉમેદવાર અમિત જોગિયાને 15,840 મત પ્રાપ્ત થયાં હતાં.
આ ચૂંટણી જંગમાં હેન્ડન બેઠક પર ઝંપલાવનાર રિફોર્મ યુકેના જોશુઆ પર્લને 3038 મત, લિબરલ ડેમોક્રેટના ક્લેરીન એન્ડરબીને 1966 મત, વર્કર્સ પાર્ટીના ઇમ્તિયાઝ પાલેકરને 1518 મત, રિજોઇન ઇયુના બેન રેન્ડને 233 અને સોશિયલ ડેમોક્રેટ જેન ગિબ્સનને 139 મત પ્રાપ્ત થયાં હતાં.
આમ તો હેન્ડન બેઠકનું પરિણામ શુક્રવારે સવારે 9 કલાકે જ જાહેર કરી દેવાયું હતું પરંતુ રિકાઉન્ટિંગની માગ કરાતાં અંતિમ પરિણામ આવવામાં સંખ્યાબંધ કલાકોનો વિલંબ થયો હતો.
ડેવિડ પિન્ટો અને અમિત જોગિયાએ એન્ટિસેમિટિઝમ સહિતના સંખ્યાબંધ મુદ્દા પર પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. હેન્ડનની બેઠક દેશમાં સૌથી ઓછા માર્જિનથી ચૂટાયેલી બેઠક બની રહી છે. ડેવિડ પિન્ટો હોલોકોસ્ટ સર્વાઇવરના પુત્ર છે અને લેબર ચાન્સેલર એલિસ્ટેર ડાર્લિંગના સલાહકાર તરીકે કામ કરી ચૂક્યાં છે.