લંડનઃ હેરો અને વીલ્ડસ્ટોન ટાઉન સેન્ટરો ખાતે ઇવનિંગ પાર્કિંગ ફી લાગુ કરવાના વિરોધમાં યોજાયેલા દેખાવોમાં સાંસદ ગેરેથ થોમસ સહિત સ્થાનિક વેપારીઓ, લેબર કાઉન્સિલરો, રહેવાસીઓ અને રાજકીય નેતાઓ સામેલ થયા હતા. તેમણે આ પાર્કિંગ ફીના કારણે સર્જાનારી નકારાત્મક અસરોનું વર્ણન કર્યું હતું. લેબરનો દાવો છે કે આ ફીના કારણે હેરો ટાઉન સેન્ટરમાં રાતના સમયની આર્થિક પ્રવૃત્તિઓ પર અસર કરશે. અગાઉ સાંજના સમયે પાર્કિંગ માટે કોઇ ચાર્જ વસૂલાતો નહોતો પરંતુ હવે પ્રતિ રાત 15 પાઉન્ડ સુધીની ફી વસૂલાશે. વેપાર ધંધાને ભય છે કે પાર્કિંગ ચાર્જના કારણે ગ્રાહકો આવશે નહીં.
હેરોમાં લેબર નેતા ડેવિડ પેરી સહિતના કાઉન્સિલરોએ પણ આ નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ જૂથે હેરોની નાઇટલાઇફને પુનર્જિવિત કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેમનો નિર્ણય વિરુદ્ધ દિશાનો છે.
હેરો કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દરેક કાર પાર્કમાં એક કલાક માટે વિનામૂલ્યે પાર્કિંગ કરવા દેવાશે. વ્યાપક સમીક્ષા બાદ કાર પાર્ક્સના દુરુપયોગને અટકાવવા આ નિર્ણય લેવાયો છે.