લંડનઃ લેબર પાર્ટીએ 2024ની સંસદની ચૂંટણી માટેનો ઢંઢેરો હેરો ઇસ્ટ મતવિસ્તારમાં બાર્નેટ ફૂટબોલ ક્લબ ખાતે આયોજિત ઇવેન્ટમાં જાહેર કર્યો હતો. શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને જનતાની વર્તમાન સ્થિતિ પર કેન્દ્રિત ગણાવતા દેશના ભાવિનો દસ્તાવેજ કહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી પાર્ટીમાં બદલાવ આણી દીધો છે અને હવે દેશમાં બદલાવ માટે તૈયાર છીએ. અમે આર્થિક સ્થિરતા, એનએચએસમાં વેઇટિંગ ટાઇમમાં ઘટાડો, નવા બોર્ડર સિક્યુરિટી કમાન્ડની રચના સહિતના પ્રારંભિક પગલાંથી શરૂઆત કરીશું. હેરો ઇસ્ટ બેઠકના લેબર ઉમેદવાર પ્રિમેશ પટેલ, હેરો વેસ્ટના ઉમેદવાર ગેરેથ થોમસ, કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, વરિષ્ઠ આગેવાનો નવિન શાહ અને અજય મારૂ સહિત મોટી સંખ્યામાં સમર્થકો આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
પેલેસ્ટાઇનને સત્તાવાર માન્યતા આપવા લેબર પાર્ટી પ્રતિબદ્ધ
લંડનઃ મીડલ ઇસ્ટમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિની સ્થાપના માટે લેબર પાર્ટીએ પેલેસ્ટાઇનને માન્યતા આપવાનું ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે. પાર્ટીએ જણાવ્યું હતું કે, પેલેસ્ટાઇન પેલેસ્ટિનિયન લોકોનો અબાધિત અધિકાર છે. અમે સુરક્ષિત ઇઝરાયેલ અને સ્વતંત્ર પેલેસ્ટાઇન દેશના ટુ નેશન સમાધાન સાથે શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા પેલેસ્ટાઇનને માન્યતા આપવા પ્રતિબદ્ધ છીએ. વેસ્ટ બેન્ક અને ગાઝામાં વસતા પેલેસ્ટિનિયનને તેમના પોતાના દેશ અને નવા ભાવિ માટે રાજકીય માર્ગ કંડારી આપવો જોઇએ. વર્તમાન કન્ઝર્વેટિવ સરકાર પણ પેલેસ્ટાઇનને માન્યતા આપવાના પક્ષમાં છે. આ પહેલાં સ્પેન, આયર્લેન્ડ અને નોર્વે જેવા યુરોપના દેશો પેલેસ્ટાઇનને સત્તાવાર માન્યતા આપી ચૂક્યાં છે.
લેબર પાર્ટી હાઉસ ઓફ લોર્ડ્સમાં નિવૃત્તિવય 80 વર્ષ કરશે
લંડનઃ જો લેબર પાર્ટી ચૂંટણીમાં વિજેતા બનશે તો હાઉસ ઓફ લોર્ડ્સમાં નિવૃત્તિની વય 80 વર્ષ કરાશે. લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે પોતાના માતાપિતા પાસેથી વારસામાં હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરનાર વારસાગત લોર્ડ્સને પણ તબક્કાવાર દૂર કરવાનું વચન આપ્યું છે. આ પહેલાં સ્ટાર્મરે હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરીને તેના સ્થાને બીજું ચૂંટાયેલું ગૃહ તૈયાર કરવાની પણ જાહેરાત કરી હતી.