લંડનઃ નોર્થ વેસ્ટ લંડનના હેરોની બોધના સિવાનંદને બ્રિટિશ રમત વિશ્વનો ઇતિહાસ રચ્યો છે. 9 વર્ષીય ચેસની ખેલાડી બોધના કોઇપણ રમતમાં ઇંગ્લેન્ડનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા ખેલાડી બની છે. આગામી સમયમાં હંગેરીમાં યોજાનારા ચેસ ઓલિમ્પિયાડમાં જોડાનારી ઇંગ્લેન્ડની મહિલા ટીમમાં બોધના જોડાશે. આ ટીમમાં બીજા ક્રમની સૌથી યુવા ખેલાડી 23 વર્ષીય લેન યાઓ છે. આમ બોધના તેના કરતાં પણ 15 વર્ષ નાની છે
બોધનાએ જણાવ્યું હતું કે, ગઇકાલે હું સ્કૂલમાંથી ઘરે આવી ત્યારે મારી માતાએ મને આ ખુશખબર આપી હતી. હું ઘણી ખુશ છું. હું સારો દેખાવ કરવાની આશા રાખી રહી છું. હું બીજું ટાઇટલ જીતીને બતાવીશ.
ઇંગ્લેન્ડની ચેસ ટીમના મેનેજર માઇકલ પેઇને જણાવ્યું હતું કે, બ્રિટિશ ચેસના ઇતિહાસમાં આવી ખેલાડીમાં ભાગ્યે જ જોઇ છે. તે શ્રેષ્ઠ બ્રિટિશ ખેલાડીઓ પૈકીની એક બનવા જઇ રહી છે.
બોધનાના પિતા સિવા કહે છે કે મારી દીકરીમાં આ ટેલેન્ટ ક્યાંથી આવ્યું તે મને ખબર નથી. હું અને મારી પત્ની ઇજનેર છીએ. મને ચેસની રમતમાં ઝાઝી ખબર પડતી નથી.