લેસ્ટરઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગની કલબ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના ૬૦ વર્ષીય બિલિયોનેર માલિક અને થાઈલેન્ડના બિઝનેસ ટાઈકુન વિચાઈ શ્રીવદ્ધનાપ્રભાનું હેલિકોપ્ટર લેસ્ટર સિટી ક્લબના સ્ટેડિયમના પાર્કિંગમાં જ તૂટી પડતાં વિચાઈ સહિત પાંચ લોકોનાં મૃત્યુ થયા હતા. મૃતકોમાં વિચાઈ ઉપરાંત, હેલિકોપ્ટરના પાયલટ એરિક સ્વાફર અને કો-પાયલોટ ગર્લફ્રેન્ડ ઈઝાબેલા રોઝા લેશોવિઝ, વિચાઈના પર્સનલ આસિસ્ટન્ટ અને પૂર્વ થાઈ બ્યૂટી ક્વીન નુરસારા સુક્નામાઈ અને અન્ય સહાયક કાવેપોર્ન પુનપારેનો સમાવેશ થયો હતો. હીરો પાયલોટ સ્વાફરે નુકસાનગ્રસ્ત હેલિકોપ્ટરને સ્ટેડિયમની બહાર લઈ જઈ સેંકડો દર્શકોના જાન બચાવ્યા હતા.
શનિવાર, ૨૭ ઓક્ટોબરની રાત્રે કિંગ પાવર સ્ટેડિયમમાં લેસ્ટર સિટી અને વેસ્ટ હામ યુનાઇટેડ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો થયા બાદ વિચાઈ સહિત પાંચ લોકો હેલિકોપ્ટરમાં સ્ટેડિયમ છોડી નીકળ્યા હતા. આ હેલિકોપ્ટર લૂટન એરપોર્ટ જઈ રહ્યું હતું, જ્યાંથી વિચાઈ થાઈલેન્ડ જવાના હતા. પરંતુ, સ્ટેડિમના કાર પાર્કિંગ પાસે જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
આ દુર્ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે મેદાન વચ્ચેથી હેલિકોપ્ટરે ઉડાન ભર્યા બાદ તરત જ કંટ્રોલ ગુમાવી દીધો હતો. સ્થાનિક સમય મુજબ ૮.૪૫ કલાકે હેલિકોપ્ટરનું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતું. હેલિકોપ્ટર નીચે પટકાયું હતું. તે પછી પોલીસ ઓફિસર તૂટી પડેલાં હેલિકોપ્ટર પાસે ગયો હતો, અધિકારીએ દરવાજો ખોલી અંદર ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિસ્ફોટ થતાં આ શક્ય બન્યું ન હતું.
થાઈલેન્ડના બેંગકોકમાં ૧૯૫૮માં જન્મેલા શ્રીવદ્ધનાપ્રભાએ વર્ષ ૨૦૧૦માં ૩૯ મિલિયન પાઉન્ડમાં લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબને ખરીદી હતી. લોકપ્રિય થાઈ માલિકે ૨૦૧૬માં લેસ્ટર સિટી ક્લબને સૌપ્રથમ વખત પ્રીમિયર લીગમાં ટાઈટલ વિજય તરફ દોરવામાં મદદ કરી હતી. શ્રીવદ્ધનાપ્રભા કુલ ૪૯૦ કરોડ યુએસ ડોલર સંપત્તિ સાથે ફોબર્સ યાદીમાં પાંચમા સૌથી ધનવાન ઇન્ડોનેશિયન હતા.
પ્રીમિયર લીગ ક્લબના સૌથી મોટા સ્ટાર્સ અને દેશભરના ફૂટબોલ ચાહકોએ આ દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. પાયલોટ સ્વાફર અને તેમની પાર્ટનર ઈઝાબેલા સરેના કેમ્બ્રલીના નિવાસી હતા તેમજ વિચાઈના પરિવારની ટીમના સભ્ય હતા. પૂર્વ બ્યૂટી ક્વીન નુરસારા સુક્નામાઈ ૨૦૦૫માં મિસ યુનિવર્સ થાઈલેન્ડ સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યાં હતાં અને તે જ વર્ષમાં બેંગકોકની સ્પર્ધામાં મિસ ફોટોજેનિક જાહેર કરાયાં હતાં.