લંડનઃ ઈયુ વિદ્યાર્થીઓ પાસે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ હોય તો પણ તેમને દેશનિકાલ નહિ કરાય તેવી સ્પષ્ટતા હોમ ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક જર્મન પીએચ. ડી વિદ્યાર્થિનીને યુકેમાંથી હકાલપટ્ટી કરવાની ધમકી અપાયા પછી જણાવાયું છે કે હેલ્થ ઈન્સ્યુરન્સ માત્ર ટેક્નિકલ મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે ઈયુના ૧૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી યુકેમાં વસે છે.
બ્રિટનમાં વસવાટની લાયકાત માટે ‘કોમ્પ્રિહેન્સિવ સિકનેસ ઈન્સ્યુરન્સ’ (CSI) હોવો જોઈએ તેના વિશે ખાસ જાણકારી પ્રવર્તતી નથી. એક જર્મન પીએચ. ડી વિદ્યાર્થિની આન્દ્રેઆ બ્લેન્ડલને હીથ્રો એરપોર્ટ ખાતે મેડિકલ ઈન્સ્યુરન્સ દસ્તાવેજો આપી ન શકે તો તેને દેશમાંથી હકાલપટ્ટી કરી શકવાનું જોખમ હોવાનું જણાવાયું હતું. યુકે વિઝા અને ઈમિગ્રેશન ઓફિસે સ્વીડન કોન્ફરન્સમાં હાજરી આપવા ઈચ્છતી આન્દ્રેઆને કહ્યું હતું કે જો તેની પાસે CSI નહિ હોય તો તે કદાચ આ દેશમાં પાછી આવી નહિ શકે.
આ મુદ્દે વિવાદ પછી હોમ ઓફિસે સ્પષ્ટ કર્યું હતું કે ઈયુ વિદ્યાર્થીઓ પાસે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ હોય તો પણ તેમને ડિપોર્ટ નહિ કરાય. પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ ધરાવતાં ઈયુ વિદ્યાર્થીઓ અને સ્ટે-એટ-હોમ પેરન્ટ્સ સહિત ઈયુ નાગરિકોની અન્ય કેટેગરીઝમાં વ્યાપ્ત ભય આવી ખાતરીથી દૂર થશે પરંતુ, આવી ખાતરી હોમ ઓફિસના અગાઉના સ્ટેટમેન્ટ્સથી તદ્દન વિરુદ્ધ છે.