લંડનઃ ભારતીય પરંપરાગત વિજ્ઞાન પરના યુકેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપે ગંભીર બીમારીઓની આર્થિક અસરોને પહોંચી વળવા અને જાહેર આરોગ્યમાં સુધારા માટે મુખ્ય પ્રવાહની હેલ્થકેર સિસ્ટમમાં આયુર્વેદિક સિદ્ધાંતો સામેલ કરવાની માગ કરી છે. આ માટે તેઓ લંડનમાં આયુર્વેદ સમિટ 2024નું આયોજન કરવા પણ જઇ રહ્યાં છે.
આયુર્વેદ સેન્ટર ઓફ એક્સલન્સ (એસીઇ), એપીપીજીના અમરજિતસિંહ ભામરાએ જણાવ્યું હતું કે, આયુર્વેદ આપણો વારસો છે. દરેક દેશ આયુર્વેદના પરંપરાગત વિજ્ઞાનમાંથી લાભ લઇ શકે છે. તે આધુનિક વિજ્ઞાનમાં ક્રાઇસિસ મેનેજમેન્ટની સતત ક્રાંતિ કરી રહેલી ટેકનોલોજીમાં પૂરક બની શકે છે. વ્યક્તિગત જીવનમાં રોગપ્રતિકારકતા વધારવા આયુર્વેદના સુરક્ષિત ઉપયોગનો ઇતિહાસ જાહેર આરોગ્યમાં રોગ અટકાવવા માટેનો માર્ગ ઉપલબ્ધ કરાવે છે. તેના દ્વારા પરિવારોને તંદુરસ્ત રાખી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે, એપીપીજી દ્વારા લંડનમાં 24-25 ઓક્ટોબરના રોજદ આયુર્વેદ સમિટ 2024નું આયોજન કરાશે. 2014માં રચના થયા બાદ એપીપીજી યુકેની આરોગ્ય સિસ્ટમમાં આયુર્વેદ અને યોગ સામેલ કરવા સરકારો સમક્ષ રજૂઆત કરતું આવ્યું છે.