હોંગ કોંગના લાખો નાગરિકોને રેસિડેન્સી માટે યુકેની નવી વિઝા પોલિસી જાહેર

Wednesday 03rd February 2021 04:03 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હોંગ કોંગના લાખો નાગરિકોને યુકેની રેસિડન્સી આપી શકાય તે માટે રવિવારથી બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) વિઝા સ્કીમ જાહેર કરી છે. BNO પાસપોર્ટ ધરાવતા હોંગ કોંગવાસીઓ યુકેમાં રહેવા માટે ૩૦ મહિના અથવા પાંચ વર્ષના રહેવા અને કામ કરવાના વિઝા માટે અરજી કરી શકશે. આ સ્કીમ હેઠળ આશરે ૩૦૦,૦૦૦ લોકો હોંગ કોંગ છોડી બ્રિટન આવે તેવી શક્યતા છે. બીજી તરફ, ચીન દ્વારા વિરોધ સાથે જણાવાયું છે કે તે માન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે બ્રિટિશ નેશનલ ઓવરસીઝ પાસપોર્ટની માન્યતા રદ કરી નાખશે.

યુકેમાં પાંચ વર્ષ રહેવા માટે પ્રતિ વ્યક્તિ વિઝા ફી ૨૫૦ પાઉન્ડ રહેશે જ્યારે ૩૦ મહિના માટે પ્રતિ વ્યક્તિ વિઝા ફી ૧૮૦ પાઉન્ડ રહેશે. આ ઉપરાંત, યુકે આવનારા લોકોએ વાર્ષિક ૬૨૪ પાઉન્ડ સુધી ઈમિગ્રેશન હેલ્થ ચાર્જ ચૂકવવાનો થશે નવા આગંતુકો થકી રેવન્યુની ચોખ્ખી આવક ૨.૪થી ૨.૯ બિલિયન પાઉન્ડ થવાની ધારણા છે.બ્રિટિશ નેશનલ (ઓવરસીઝ) સ્ટેટસ સાથેના હોંગ કોંગવાસીઓ અને તેમના આશ્રિતો આ વિઝા માટે લાયક ગણાશે. પાંચ વર્ષ પછી તેઓ સ્થિર વસવાટ (સેટલમેન્ટ) માટે અને તેના ૧૨ મહિના પછી બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી શકશે.

BN(O) સ્ટેટસ સાથેના ૨.૯ મિલિયન નાગરિકો યુકે સ્થળાંતર કરવાને લાયક છે. આ ઉપરાંત, તેમના ૨.૩ મિલિયન આશ્રિતો પણ છે. જોકે, સરકારની ધારણા મુજબ આ યોજનાનો લાભ લેનારાની સંખ્યા ઓછી હશે. પહેલા વર્ષે BN(O) સ્ટેટસ સાથેના ૧૨૩,૦૦૦થી ૧૫૩,૭૦૦ વચ્ચેના નાગરિકો અને તેમના આશ્રિતો યુકે આવવાનો આ માર્ગ લઈ શકે છે અને પાંચ વર્ષમાં સંખ્યા વધીને ૨૫૮,૦૦૦થી ૩૨૨,૪૦૦ વચ્ચેની રહી શકે છે.

યુકેએ ૧૯૯૭માં હોંગ કોંગની જવાબદારી ચીનને સુપરત કરી ત્યારે BN(O) સ્ટેટસની રચના કરાઈ હતી. બ્રિટનની નવી વિઝા પોલિસીથી રોષે ભરાયેલા ચીને લંડન સામે ૧૯૯૭ના હેન્ડઓવર એગ્રીમેન્ટના ઉલ્લંઘનનો આક્ષેપ મૂકવા સાથે પશ્ચિમી દેશોને હોંગ કોંગની બાબતોથી દૂર રહેવા ચીમકી આપી છે. ચીન દ્વારા હોંગકોંગમાં નેશનલ સિક્યોરિટી કાયદા લાગુ પાડવાના સંદર્ભે યુકેએ નવી વિઝા પોલિસી જાહેર કરી છે. વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે હોંગ કોંગવાસીઓને રેસિડેન્સી ઓફર કરવાનું પગલું બ્રિટન અને તેના પૂર્વ સંસ્થાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને મિત્રતાને સન્માન આપવા માટે છે. લોકશાહીતરફી કાર્યકરોએ હોંગ કોંગની સ્વાયત્તતાને નિયંત્રિત કરી વિરોધીઓને સજા કરવાની સત્તા ચીનને આપતા કાયદાને વખોડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter