લંડનઃ હિન્દુઓને કટ્ટરવાદી ગણાવતા હોમ ઓફિસના લીક થયેલા રિપોર્ટ સામે બ્રિટિશ હિન્દુ સમુદાયે ઉગ્ર વાંધો રજૂ કર્યો છે. તેનો આરોપ છે કે હોમ ઓફિસનો રિપોર્ટ હિન્દુઓને બદનામ કરવાના વિશ્વવ્યાપી પ્રોપેગેન્ડાનો હિસ્સો છે.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, યુકે સરકારની ભાવિ કટ્ટરવાદ વિરોધી નીતિ નક્કી કરવા માટેની સમીક્ષામાં હોમ ઓફિસના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ વિશ્વવ્યાપી હિન્દુ પ્રોપેગેન્ડાનો હિસ્સો છે. અમેરિકામાં કાશ પટેલ અને તુલસી ગેબાર્ડ પણ આ પ્રકારના પ્રોપેગેન્ડાનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનના હિન્દુઓ કોઇ રીતે કટ્ટરવાદી નથી. અમે હોમ ઓફિસ સમક્ષ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, અમે બ્રિટનમાં લઘુમતીઓમાં પણ લઘુમતી છીએ. હિન્દુઓને કટ્ટરવાદી ઠરાવવામાં ન આવે તે અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ. રિપોર્ટમાં ખોટો આરોપ મૂકાયો છે કે વર્ષ 2022માં લેસ્ટરમાં હિન્દુત્વના કારણે રમખાણો થયા હતા. લેસ્ટરમાં હિન્દુઓએ હિંસા માટે ઉશ્કેરણી કરી હોય તેવા કોઇ પુરાવા નથી. હકીકતમાં તો અમારા મંદિર શિવાલય પર હુમલો કરાયો હતો.
હિન્દુ કાઉન્સિલ યુકેના દિપેન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ ગેરમાહિતીથી ભરપૂર, પક્ષપાતી અને રેસિસ્ટ સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. હિન્દુઓને કટ્ટરવાદ સાથે સાંકળવા ગેરમાર્ગે દોરનાર જ નહીં પરંતુ નુકસાનકારક છે. યુકેમાં હિન્દુઓ સામેના હેટ ક્રાઇમમાં વધારો થયો છે, મંદિરોમાં તોડફોડ, ટાર્ગેટેડ હુમલા પણ વધ્યાં છે. આ ચિંતાઓ પર ધ્યાન આપવાને બદલે યુકે સરકારનો રિપોર્ટ હિન્દુઓને જ બદનામ કરી રહ્યો છે જેના કારણે ભેદભાવમાં વધારો થશે. હિન્દુત્વ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. હિન્દુત્વ સાંસ્કૃતિક ગૌરવ સાથે સંકળાયેલ શબ્દ છે નહીં કે કટ્ટરવાદ સાથે.
હોમ ઓફિસના રિપોર્ટ પર હિન્દુ કાઉન્સિલ યુકે દ્વારા પણ ચિંતા વ્યક્ત કરાઇ હતી. કાઉન્સિલે જણાવ્યું હતું કે, હિન્દુ વિશ્વનો સૌથી પૌરાણિક અને શાંતિચાહક ધર્મ છે. તેના મૂળ અહિંસા અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં રહેલાં છે. હિન્દુ ઓળખની જાળવણી લોકતાંત્રિક રીતે જ કરાય છે અને તે કટ્ટરવાદ નથી.
કાઉન્સિલના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોતે જણાવ્યું હતું કે, હિન્દુત્વ ચળવળનો પ્રારંભ જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ કરાયો હતો જેથી તમામ હિન્દુઓને એકજૂથ કરી શકાય. હિન્દુત્વ જાતિ રહિત હિન્દુ ધર્મનો વિચાર છે. યુકેનો હિન્દુ સમુદાય કાયદાનું ચુસ્ત પાલન કરનારો, મહેનતુ અને આધુનિક લઘુમતી સમુદાય છે. સરકારે હિન્દુ પ્રતિનિધિઓ સાથે રચનાત્મક ચર્ચા કરવી જોઇએ.
યુકે સરકારના રિપોર્ટની ભારત સરકાર દ્વારા ટીકા
ખાલિસ્તાની ઉગ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદને બ્રિટનમાં પડકારજનક ગણાવતા યુકે સરકારના લીક થયેલા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા ભારત સરકારે જણાવ્યું હતું કે યુકેમાંથી ઉદ્દભવતી ધમકીઓનો પ્રકાર જાણીતો છે અને તેને ખોટી રીતે સાંકળવી જોઇએ નહીં. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે આ મામલા અંગેના કેટલાક અહેવાલો જોયાં છે. યુકેમાં ઉદ્દભવતી અલગતાવાદી અને કટ્ટરવાદી ધમકીઓની પ્રકૃતિ જાણીતી છે. તેને ખોટી રીતે સાંકળવી જોઇએ નહીં.