લંડનઃ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ગ્રૂમિંગ ગેન્ગના સભ્યોની એશિયન અને ખાસ કરીને પાકિસ્તાની પશ્ચાદભૂને જાહેર કરવાના પોતાના અધિકારનો બચાવ કરવા સાથે ગ્રૂમિંગ ગેન્ગના સજા કરાયેલા કેટલાક સભ્યોને પાકિસ્તાન દેશનિકાલ કરવાના અને તેમનું બ્રિટિશ નાગરિકત્વ રદ કરવાના સરકારના અધિકારનો પણ બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની વંશીયતાની અવગણના કરવાથી કટ્ટરવાદીઓને પ્રોત્સાહન મળશે.
હોમ સેક્રેટરી જાવિદે કહ્યું હતું કે અપરાધીઓને તેમની પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં ન આવે તેવા દેશમાં મોકલવા પડે તો પણ તેમનું કાર્ય બ્રિટિશ પ્રજાને સલામત રાખવાનું જ છે. જાવિદે ઓક્ટોબર મહિનામાં કરેલા ટ્વીટ સંદેશાની જોરદાર ટીકાઓ થઈ હતી. હડર્સફિલ્ડમાં ૨૦ પુરુષના જૂથને છોકરીઓ પર બળાત્કાર અને જાતીય શોષણ માટે દોષિત ઠરાવાયા પછી જાવિદે ટ્વીટ કર્યું હતું કે,‘આખરે આ મનોરોગી એશિયન બાળ યૌનશોષણખોરો ન્યાયના પિંજરાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી તેમને નજરઅંદાજ કરાતા હતા. મારા માટે તો નહિ જ. તેમના માટે આ સ્થળોએ પાછા નહિ મોકલાય તેવો વિચાર નહિ કરાય.’
તેમણે કહ્યું હતું કે તેમણે રોચડેલ ગ્રૂમિંગ કૌભાંડમાં અંગત રસ દર્શાવ્યો હતો કારણકે તેમાં તેમનું હોમ ટાઉન તેમજ તેમના જેવી જ પાકિસ્તાની પશ્ચાદભૂ ધરાવતા પુરુષો સંકળાયેલા હતા. તાજેતરના હાઈ પ્રોફાઈલ કેસીસમાં પાકિસ્તાની વારસો ધરાવતા પુરુષોનું પ્રમાણ વધારે હોવાનું દેખાઈ જ આવતું હતું.
ઓગસ્ટ મહિનામાં કોર્ટ ઓફ અપીલ દ્વારા રોચડેલ ગ્રૂમિંગ ગેન્ગના ત્રણ સભ્યોની બ્રિટિશ નાગરિકતા રદ કરવાના નિર્ણયને બહાલી અપાઈ હતી. નાની છોકરીઓને ફોસલાવી તેમના બળાત્કાર અને યૌનશોષણના આરોપોમાં દોષિત અને મે ૨૦૧૨માં જેલમાં મોકલાયેલા નવ પુરુષોમાં અબ્દુલ અઝીઝ, આદિલ ખાન અને કારી અબ્દુલ રઉફનો પણ સમાવેશ થયો હતો.