લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં તપાસ કરી રહેલી સમિતિને પુરાવા મળે તે પહેલાં તેનો નાશ કરવા પોસ્ટ ઓફિસના એક ઉચ્ચ અધિકારીએ કર્મચારીઓને આદેશ આપ્યો હોવાનો આરોપ એક વ્હિસલ બ્લોઅર દ્વારા મૂકાતાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ સ્ટાફ મેમ્બરની ઓળખ જાહેર કરાઇ નથી અને તેને સસ્પેન્ડ કરી દેવાયો છે.
પોસ્ટ ઓફિસના કંપની સેક્રેટરી રાચેલ સ્કાર્રાબેલોટ્ટી દ્વારા ઇન્કવાયેરીને અપાયેલા લેખિત નિવેદનમાં આ આરોપોનો ખુલાસો કરાયો હતો. સ્કાર્રાબેલોટ્ટીએ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં એક વધુ ફરિયાદ પણ રજૂ કરી છે. જેમાં પોસ્ટ ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ ઇન્કવાયરીને અપાનારા પુરાવાનો નાશ કરવા તેમની ટીમને આદેશ આપ્યો હોવાના આરોપ છે. આ અધિકારી પર અયોગ્ય વ્યવહારના આરોપ પણ અગાઉ મૂકાયાં છે.
તેમણે જણાવ્યું હતું કે, આરોપ ગંભીર હોવાથી મને આશા છે કે તેના પર યોગ્ય કાર્યવાહી કરાશે. આરોપોનો સામનો કરી રહેલા અધિકીને સસ્પેન્ડ કરી દેવાયો છે. બોર્ડને પણ આ અંગે સમયાંતરે જાણ કરવામાં આવી હી છે.
નવી સિસ્ટમ લાગુ કરતાં પહેલાં પોસ્ટ ઓફિસમાં સાફસૂફી કરોઃ પૂર્વ અધ્યક્ષ
પોસ્ટ ઓફિસના પૂર્વ વડા હેનરી સ્ટાઉન્ટને ચેતવણી ઉચ્ચારી છે કે પોસ્ટ ઓફિસમાં નવી આઇટી સિસ્ટમ લાગુ કરતાં પહેલાં સબ પોસ્ટમાસ્ટરો સામેના ખટલાઓ સાથે સંકળાયેલા તપાસકર્તા અને એક્ઝિક્યુટિવોને હાંકી નહીં કઢાય તો હોરાઇઝન જેવું નવું સ્કેન્ડલ સર્જાઇ શકે છે.