લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિત સબ પોસ્ટમાસ્ટરોની પીડાનો અંત આવી રહ્યો નથી. હોરાઇઝન સ્કેન્ડલના પીડિત સબ પોસ્ટમાસ્ટરો દ્વારા તેમને ઓછું વળતર ચૂકવાયું હોવાનો આરોપ મૂકાયો છે. યુગવના સરવે અનુસાર દર 3માંથી 2 પીડિત એમ માને છે કે તેમને ઓછું વળતર ચૂકવાયું છે. પીડિત સબ પોસ્ટમાસ્ટરોમાં હોરાઇઝન શોર્ટફોલ સ્કીમ પ્રત્યે ભારે અસંતોષ અને નારાજગી પ્રવર્તી રહ્યાં છે. પોસ્ટ ઓફિસના વકીલો દ્વારા 20,000 પાઉન્ડ કરતાં વધુ વળતર માટેની દર 3માંથી 2 અરજી ફગાવી દેવામાં આવી છે.
તે ઉપરાંત અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ખોટી રીતે દોષી ઠેરવાયેલા તમામ સબ પોસ્ટમાસ્ટરોને જુલાઇના અંત સુધીમાં તેમને દોષમુક્ત કરાયા હોવાના પુરાવા તરીકેના લેટર આપવામાં પણ ભારે વિલંબ થઇ રહ્યો છે. હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં 900 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરને ખોટી રીતે દોષી ઠેરવાયાં હતાં. અત્યાર સુધીમાં ફક્ત 178 સબ પોસ્ટમાસ્ટરને જ તેમના ચુકાદા રદ કરાયાની જાણ કરાઇ છે. અત્યાર સુધીમાં 700 જેટલા સબ પોસ્ટમાસ્ટરને હજુ આ માટેનો પત્ર આપવામાં આવ્યો નથી. જસ્ટિસ મંત્રાલયના આંકડા પ્રમાણે ફક્ત 20 ટકાને જ આ પ્રકારનો પત્ર જારી કરાયો છે. તેનો અર્થ એ થયો કે હજુ 700 જેટલા સબ પોસ્ટમાસ્ટર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ગણી શકાય.
હોરાઇઝનની નવી આઇટી સિસ્ટમમાં પણ ખામી હોવાનો દાવો
એક સરવે અનુસાર જાન્યુઆરી 2020થી દર 10માંથી 7 પોસ્ટ ઓફિસ સબ પોસ્ટમાસ્ટર હોરાઇઝન આઇટી સિસ્ટમમાં વર્ણવી ન શકાય તેવી ખામીઓનો સામનો કરી રહ્યાં છે. પોસ્ટ ઓફિસ દ્વારા ઉપયોગમાં લેવાતી નવી હોરાઇઝન સિસ્ટમમાં હજુ પણ ખામીઓ છે. યુગવ દ્વારા કરાયેલા સરવે અનુસાર સબ પોસ્ટમાસ્ટરોનો દાવો છે કે હોરાઇઝન સિસ્ટમમાં હજુ પણ તેમના એકાઉન્ટમાં ઓછા નાણા દર્શાવવામાં આવી રહ્યાં છે જેને તેઓ બ્રાન્ચના નાણા દ્વારા ભરપાઇ કરી રહ્યાં છે. યુગવે જણાવ્યું હતું કે, 50 ટકા કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરને હોરાઇઝન આઇટી સિસ્ટમની હાલની કામગીરીથી સંતોષ નથી. ફક્ત 25 ટકા સબ પોસ્ટમાસ્ટર તેની કામગીરીથી સંતુષ્ટ છે. સબ પોસ્ટમાસ્ટરોએ જણાવ્યું હતું કે, સિસ્ટમનો સ્ક્રીન ગમે ત્યારે ફ્રીઝ થઇ જાય છે અને કનેક્શન ખોરવાઇ જાય છે. કેટલીકવાર તેમાં અજાણ્યા ટ્રાન્ઝેક્શન પણ જોવા મળે છે.