લંડનઃ સરકારે જાહેરાત કરી છે કે હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોને તેમના કેસની પુનઃસમીક્ષા માટેની તક અપાશે. સરકાર દ્વારા હોરાઇઝન શોર્ટફોલ સ્કીમમાં સ્વતંત્ર અપીલ કરવાની પરવાનગી અપાશે.
બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, નવી અપીલ પ્રક્રિયા સરળ રહેશે અને તેનો ઝડપથી નિકાલ પણ કરાશે. જેમની પાસે નવી માહિતી હોય તેઓ આ સ્કીમનો લાભ લઇ શકશે. જો કે શેડો બિઝનેસ સેક્રેટરી કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાનો લાભ તમામ પોસ્ટમાસ્ટરોને અપાવો જોઇએ.
જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, આ રાજનીતિનો નહીં પરંતુ ન્યાય અપાવવાનો મામલો છે. હોરાઇઝન કમ્પનસેશન એડવાઇઝરી બોર્ડે ગયા વર્ષે ભલામણ કરી હતી કે આપણે હોરાઇઝન શોર્ટફોલ સ્કીમમાં સ્વતંત્ર અપીલ પ્રક્રિયા સામેલ કરવી જોઇએ. અમે બોર્ડની આ ભલામણ સ્વીકારી લીધી હોવાની જાહેરાત કરતાં મને ખુશી થાય છે.
આ અપીલ પ્રક્રિયાના કારણે એચએસએસ અંતર્ગત જેમના દાવાનો નિકાલ કરાયો છે અને નવી માહિતીના આધારે તેઓ તેમના લાભની સમીક્ષા કરાવવા માગે છે તો આ અપીલ પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી કરી શકશે.