લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેન્ડલને ઉઘાડું પાડવામાં મહત્વની ભુમિકા ભજવનાર એલન બેટ્સને કિંગ્સ બર્થ ડે ઓનર્સમાં નાઇટહૂડથી સન્માનિત કરાયાં છે. પોતે સબ પોસ્ટમાસ્ટર એવા 1954માં જન્મેલા એલન બેટ્સ પોસ્ટ ઓફિસના સ્કેન્ડલના પીડિતો માટે ન્યાય મેળવવા ઉગ્ર લડત આપનારા અગ્રણી એક્ટિવિસ્ટ રહ્યાં છે. પોસ્ટ ઓફિસમાં ખામીયુક્ત હોરાઇઝન આઇટી સિસ્ટમના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને નાણાકીય ગેરરિતી માટે દોષી ઠેરવવામાં આવ્યાં હતાં. યુકેના ઇતિહાસની આ ન્યાયની સૌથી મોટી કસુવાવડ હતી. 2003માં નાણાકીય ગેરરિતી માટે એલન બેટ્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયા બાદ તેમણે 2009માં પોતાના જેવી જ સ્થિતિમાં આવી ગયેલા સબ પોસ્ટમાસ્ટરોનું સંગઠન બનાવી ન્યાય માટે લડત શરૂ કરી હતી. 555 દાવેદારો માટે 57.75 મિલિયન પાઉન્ડનો કેસ જીત્યા બાદ પણ પીડિતોને પુરતું વળતર ન મળતાં બેટ્સે આ લડત આગળ ધપાવી હતી. તેમની આ લડત માટે કિંગ દ્વારા નાઇટહૂડથી સન્માનિત કરાયાં છે.