લંડનઃ પોતાની બ્રાન્ચના હિસાબ કિતાબમાં થઇ રહેલી ગરબડ માટે બે દાયકા પહેલાં સર એલન બેટ્સે સૌથી પહેલાં સરકારી માલિકીની પોસ્ટ ઓફિસને પડકાર આપ્યો હતો. કોર્ટે તેમના પડકાર પર મંજૂરીની મહોર લગાવ્યાને પાંચ વર્ષ વીતી ગયાં છે. પીડિત સબ પોસ્ટ માસ્ટરોને વળતર ચૂકવવાની યોજનાઓના અમલ છતાં સર એલન બેટ્સને જ હજુ પૂરેપૂરું વળતર પ્રાપ્ત થયું નથી.
હોરાઇઝન આઇટી સ્કેન્ડલની પબ્લિક ઇન્કવાયરીનો આ સપ્તાહમાં અંત આવ્યો છે પરંતુ પીડિતો માની રહ્યાં છે કે તેમને ઓછું વળતર ચૂકવાઇ રહ્યું છે. સર એલન બેટ્સ કહે છે કે હું સીનિયર મેનેજમેન્ટની સરખામણીમાં વળતરની માગ કરી રહ્યો નથી પરંતુ તેઓને આ ગંભીર નિષ્ફળતા માટે પણ મિલિયનો પાઉન્ડ ચૂકવવામાં આવ્યાં છે. તેમણે રાષ્ટ્રીય સંસ્થાનનો વિનાશ કરીને નિર્દોષ લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે.
અત્યાર સુધીમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા દર 10માંથી ફક્ત 1 સબ પોસ્ટમાસ્ટરના વળતર ચૂકવાયાં છે. બેટ્સે તેમને ચૂકવાનારા વળતરની બે ઓફર નકારી કાઢી છે. તાજેતરમાં તેમના દાવાના 33 ટકા રકમ વળતર પેટે ચૂકવવાની ઓફર અપાઇ હતી.
સબ પોસ્ટમાસ્ટરો અને તેમના વકીલો કહે છે કે આગામી સરકારો પાસેથી સંપુર્ણ અને ન્યાયી વળતરની આશા રાખવી મુશ્કેલ છે. હજુ ઘણા પીડિતો ઓફરની પ્રક્રિયાની લાલ ફિતાશાહીમાં ફસાયેલા છે. તેમને ફરી એકવાર અદાલતના દ્વાર ખખડાવવા પડે તેવી સ્થિતિ છે.
પોસ્ટ માસ્ટરોના પગાર બમણા કરવાની કવાયત
પોસ્ટ ઓફિસમાં મહત્વના સુધારા અંગે સરકારની મંજૂરી બાદ પોસ્ટ ઓફિસ 250 મિલિયન પાઉન્ડના રોકાણના ભાગરૂપે પોસ્ટ માસ્ટરોના પગાર બમણા કરશે. બિઝનેસ મિનિસ્ટર ગેરેથ થોમસે હાઉસ ઓપ કોમન્સમાં જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ વ્યાવસાયિક પડકારોનો સામનો કરી રહી છે. હાલમાં પોસ્ટ ઓફિસની ઘણી બ્રાન્ચ બંધ કરવાની નોબત આવી છે. પોસ્ટ માસ્ટરોના પગારમાં છેલ્લા એક દાયકાથી પૂરતો વધારો કરાયો નથી.