લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સ્કોટલેન્ડના તમામ સબ પોસ્ટમાસ્ટરો હવે નિર્દોષ જાહેર થઇ ગયાં છે. સ્કોટિશ પાર્લામેન્ટ દ્વારા પસાર કરાયેલ ઇમર્જન્સી ખરડાને કિંગની મંજૂરી મળી ગઇ છે અને 14 જૂન 2024ના શુક્રવારથી તેનો અમલ શરૂ થઇ ગયો છે.
તેનો અર્થ એ થયો કે 1996થી 2018 વચ્ચે પોસ્ટ ઓફિસ બિઝનસમાં ફ્રોડ અને ચોરી માટે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોના ચુકાદા રદ થઇ ગયાં છે અને તેઓ વળતરને પાત્ર બને છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સબ પોસ્ટમાસ્ટરોને નિર્દોષ જાહેર કરતો કાયદો માર્ચ 2024માં અમલી બન્યો હતો.
સમગ્ર યુકેમાં 900 સબપોસ્ટમાસ્ટરો સામે હિસાબમાં ગેરરિતી માટે ખટલા ચલાવવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સોફ્ટવેરમાં રહેલી ખામીઓના કારણે તેમને ખોટી રીતે દોષી ઠેરવાયાં હતાં અને તેમની બચતો અથવા તો લોન લઇને નાણા પરત કરવા મજબૂર કરાયાં હતાં. કેટલાંક પોસ્ટ માસ્ટરોને તો જેલની સજા પણ કરાઇ હતી.
પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેન્ડલને આધુનિક જમાનામાં યુકેની સૌથી મોટી ન્યાયની કસુવાવડ ગણાવવામાં આવી હતી.